26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારત લવાયો
મુંબઈમાં થયેલા ભયાનક 26/11ના આતંકવાદી હુમલાના એક મુખ્ય આરોપી તહવ્વુર રાણાને આખરે ભારત લાવવામાં આવ્યો છે. અમેરિકાથી પ્રત્યાર્પણ કરાયેલું વિશેષ વિમાન આજે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું હતું. એરપોર્ટ પર ઉતર્યા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તેની ધરપકડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાણાને કડક સુરક્ષા વચ્ચે NIAના મુખ્યાલય લઈ જવામાં આવશે, જ્યાં તપાસ ટીમો તેની સઘન પૂછપરછ કરશે. આ માટે સ્વાટ કમાન્ડોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આ કેસમાં એડવોકેટ નરેન્દ્ર માનને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. પૂછપરછ બાદ તેને દિલ્હીની તિહાર જેલના હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવી શકે છે. હાલમાં જેલ પ્રશાસને સુરક્ષા વધારી દીધી છે અને કોર્ટના આદેશોની રાહ જોઈ રહ્યું છે. NIA ટૂંક સમયમાં તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી શકે છે. સમગ્ર ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.