ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘કલામૃતમ-2025’ સમર કેમ્પ માટે રજિસ્ટ્રેશન શરૂ
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા ઉનાળું વેકેશન દરમિયાન બાળકો રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃતિઓમાં રચ્યાપચ્યા રહે તે માટે કલામૃતમ-2025 સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 28 એપ્રિલથી 10 મે સુધી એમ 13 દિવસની આ ખાસ સમર કાર્યશાળામાં વિવિધ વય જૂથના બાળકો માટે તેમની રુચિ અનુસાર વિશિષ્ટ પ્રવૃત્તિઓની રચના કરવામાં આવી છે. નિષ્ણાત કલાગુરુઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને કલા, સંગીત, સાહિત્ય, રમતગમત જેવાં વિવિધ વિષયોમાં તાલીમ આપવામાં આવશે.
આ સમર કેમ્પ ત્રણ જુદી જુદી કેટેગરીમાં વિભાજિત છે. ધોરણ 4થી 6નાં વિદ્યાર્થીઓ માટે બે વિભાગમાં કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ વિભાગમાં મ્યુઝિક, ડ્રોઈંગ અને પેઈન્ટિંગ, રમત-ચેસ, વૉલીબોલ, ટોય મેકિંગ, વાંચન કાર્યશાળા, ભારતીય દેશી રમતો રહેશે અને તેમાં 50 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે દ્વિતીય વિભાગમાં નાટ્યકળા, નૃત્યકળા, ફોટોગ્રાફી વિષયો રહેશે અને તેમાં 30 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્રીજી કેટેગરી ધોરણથી ઉપરના વિદ્યાર્થીઓ માટેની છે. જેમાં ભાષાસજ્જતા હેઠળ ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી અને જાપાનીઝ ભાષા શીખવાડવામાં આવશે અને તેમાં 30 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.
કલામૃતમ સમર કેમ્પ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. વહેલાં તે પહેલાંના ધોરણે બાળકોને પ્રવેશ આપવામાં આવશે. રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છુક વાલીઓ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 એપ્રિલ છે. સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો માટે કેમ્પ સંપુર્ણપણે નિઃશુલ્ક રહેશે, જ્યારે અન્ય શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો માટે 500 રૂપિયા રજિસ્ટ્રેશન ફી રહેશે. કલામૃતમ સમર કેમ્પનો સમય સવારે 7.30 કલાકથી બપોરના 12 કલાક સુધીનો વિષય અનુસાર રહેશે. આ ઓફલાઈન સમર કેમ્પ માટેનું સ્થળ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, સેક્ટર 20, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું છે.