અંબાજી ગબ્બર ખાતે 15થી 17 એપ્રિલ દરમિયાન દર્શન અને રોપ-વે બંધ
અંબાજીના પવિત્ર ગબ્બર પર્વત પર મોટી સંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શન માટે આવે છે. પરંતુ હાલ ઉનાળાની ઋતુમાં મધમાખીઓના પૂડાને કારણે યાત્રિકોને તકલીફ પડી રહી છે. મધમાખીઓના ઉડવાથી દર્શન માર્ગ અને 51 શક્તિપીઠ પરિક્રમા વિસ્તારમાં સલામતીનો પ્રશ્ન ઊભો થયો છે.
આ સમસ્યાને ઉકેલવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. 15થી 17 એપ્રિલ, 2025 દરમિયાન ગબ્બર ખાતે મધમાખીઓના પૂડા દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. આ દરમિયાન યાત્રિકોની સુરક્ષા માટે ગબ્બર ટોચ, 51 શક્તિપીઠ પરિક્રમા અને રોપ-વે સુવિધા બંધ રહેશે. 18 એપ્રિલથી દર્શન અને રોપ-વે સુવિધા ફરી શરૂ થશે. અંબાજી વહીવટદારે યાત્રાળુઓને આ નિર્ણયની નોંધ લેવા વિનંતી કરી છે.