અમદાવાદમાં આજે ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ
અમદાવાદમાં આજે કાળઝાળ ગરમી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો રમાશે. ભયંકર લૂની આગાહીને પગલે સ્ટેડિયમમાં આવનારા દર્શકોને ગરમીથી રાહત મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત ટાઇટન્સે સૂર્ય તરફના તમામ સ્ટેન્ડ્સ પર પંખા અને ઠંડક આપતા મિસ્ટ ફેનની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત, ચાહકોને સન સ્ક્રીન અને સન વાઈઝર પણ આપવામાં આવશે. તમામ ક્રિકેટ રસિકો માટે સ્ટેડિયમમાં મફત પીવાનું પાણી અને ORSની સુવિધા ઉપલબ્ધ રહેશે. કોઈપણ તબીબી જરૂરિયાતને પહોંચી વળવા માટે મોબાઇલ મેડિકલ ટીમ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વધુ ગરમીના કારણે અનેક દર્શકોને તકલીફ થઈ હતી. આ વખતે આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્ટેડિયમ પ્રશાસન દ્વારા આ વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. દર્શકોને શાંતિથી મેચનો આનંદ માણવા મળે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.