ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી
કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ સખત શબ્દોમાં નિંદા કરી છે. આ ઘટનાથી દેશ અને દુનિયાભરમાં આક્રોશની લાગણી ફેલાયેલી છે. ગુરુદેવે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે, “અમે પહલગામમાં થયેલી દુઃખદ ઘટનાથી ખૂબ જ શોકમાં છીએ. આ દુઃખની ઘડીમાં, અમારી સહાનુભૂતિ પીડિતો, તેમના પરિવારજનો અને આ નિર્દય હિંસાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે. આવા સમયે શબ્દો ખૂટી પડે છે, પણ આપણા સૌની સામૂહિક ચેતનાની શક્તિ આ દુઃખમાંથી બહાર આવવામાં મદદરૂપ થઈ શકે છે.”
ઉલ્લેખનીય છે કે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન ગુરુદેવના માર્ગદર્શન હેઠળ આ પ્રદેશમાં શાંતિ અને સુમેળ સ્થાપિત કરવા માટે ઘણા સમયથી કાર્યરત છે. ગુરુદેવે આ દુઃખદ સમયે શાંતિ, પ્રાર્થના અને એકતાનો સંદેશ આપતા કહ્યું કે, “આપણે સહુ મળીને ઘૃણાના વિરોધમાં ઊભા થઈએ અને માનવતાના અવાજને વધુ મજબૂત બનાવીએ.”