અનોડીયા ખાતેથી 3 મશીન સહીત 1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ, ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા બિનઅધિકૃત ખનિજ પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સઘન ચેકિંગની કામગીરી અન્વયે, ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના અનોડીયા ખાતે તા.૨૨/૦૪/૨૦૨૫ ના રોજ અનોડીયા ગામના છેલ્લાવાસ પાસેના સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં બિનઅધિકૃત સાદીરેતી ખનીજના ખનન અન્વયેની ફરિયાદ મળતા અત્રેની કચેરીના રોયલ્ટી ઇન્સ્પેકટર શ્રી મેહુલા સભાયા અને માઈન્સ સુપરવાઈઝર શ્રી રણછોડભાઈ આહીર દ્વારા બપોરે આશરે ૨:૦૦ વાગ્યે અનોડીયા ગામના છેલ્લાવાસ ખાતેથી પસાર થતી સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં રેડ કરતા, સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા રસ્તામાં વચ્ચે ટ્રેક્ટર તથા અન્ય અડચણ રૂપ કાંટા ઝાળીયાને નદી કિનારાના રસ્તા ઉપર નાખી ક્ષેત્રિય ટીમને નુકશાન થાય તેવા સાધનો વડે રૂકાવટ કરવામાં આવેલ.
આ સંપૂર્ણ ઘટનાની જાણ જિલ્લા કલેકટરશ્રી ગાંધીનગરને કરતા કલેકટરશ્રીની સુચનાથી એસ.પી.શ્રી, ગાંધીનગર દ્વારા સ્થાનિક માણસા પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી જી.કે.ભરવાડને સુચના આપી ઘટના સ્થળે તપાસ માટે મોકલતાં, અનોડીયા ગામના છેલ્લાવાસના સાબરમતી નદીપટ્ટના કોતરોમાં તપાસ હાથ ધરી સંતાડેલ ૦૩ હિટાચી મશીન (૧) હ્યુન્ડાઈ મશીન સીરીયલ નં HYNDQ402VE0001153 જેનો મોડેલ નં-R140 LC-GV જે મશીન માલિકશ્રી વરુણભાઈ ભુરાભાઈ વણઝારા તથા (૨) બિનવારસી હાલતમાં મળી આવેલ જે.સીબી. કંપનીનું એક્સ્કેવેટર મશીન ચેચીસ નં- PUNJD21AKM3033184 જેનો સીરીયલ નં- 84955090 અને (૩) જે.સી.બી.કંપનીનું એક્સ્કેવેટર મશીન ચેચીસ નં- PUNJD20ALR3380613 જેનો સીરીયલ નં- 84565938 ને સાદીરેતી ખનીજના બિનઅધિકૃત ખનન અને વહનમાં ઉપયોગમાં લેવાયેલ મશીનોને સીઝ કરી પીપળજ ચેકપોસ્ટ ખાતે રાખવામાં આવેલ છે. તથા તપાસની કામગીરી તા.૨૨/૦૪/૨૦૨૫ના રોજ બપોરે ૦૨:૦૦ વાગ્યાથી શરૂ કરીને તા.૨૩/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૦૪:૪૫ વાગ્યા સુધી હાથ ધરવામાં આવી હતી. અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એફ.એસ. કચેરી, ગાંધીનગર, જીલ્લા કચેરી મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદની સઘળી ક્ષેત્રિય ટીમોને પણ સ્થળ પર હાજર રાખવામાં આવી હતી.
આમ, ઉક્ત વિગતે સીઝ કરેલ કુલ ૦૩ મશીનના આશરે ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરેલ તેમજ બિનઅધિકૃત ખોદકામ કરેલ સાદીરેતી ખનિજના વિસ્તારના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, ઉપરોક્ત જપ્ત કરેલ મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.