જમ્મુ-કશ્મીરમાં ગયેલા ગાંધીનગરના 173 પ્રવાસીઓ સહીસલામત
ગાંધીનગર: જમ્મુ-કશ્મીરમાં તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાને પગલે દેશભરમાં શોકની લાગણી ફેલાઈ છે. આ પરિસ્થિતિમાં, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગે કલેક્ટર મેહુલ કે. દવેની આગેવાની હેઠળ જમ્મુ-કશ્મીર ગયેલા ગાંધીનગર જિલ્લાના પ્રવાસીઓની તાત્કાલિક યાદી તૈયાર કરી હતી.
આ યાદી અનુસાર, દહેગામના 52, કલોલના 107 અને ગાંધીનગર શહેરના 14 મળીને કુલ 173 નાગરિકો જમ્મુ-કશ્મીરની મુલાકાતે છે. કલેક્ટરના આદેશથી જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગે આ તમામ પ્રવાસીઓ સાથે રૂબરૂ વાતચીત કરીને તેમની સલામતી અને સ્થિતિની માહિતી મેળવી હતી.
સર્વે પ્રવાસીઓ સહીસલામત હોવાનું જાણવા મળતાં જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર અને પ્રવાસીઓના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ 173 પ્રવાસીઓ તેમનો પ્રવાસ પૂર્ણ કરીને ટૂંક સમયમાં જ ગાંધીનગર પરત ફરશે.