GUJARAT: સરકારી કર્મચારીઓ માટે કામના કલાકો બદલાશે? સુધારા આયોગની ભલામણ
ગુજરાત સરકારની કચેરીઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓના ફરજના સમયમાં ફેરફાર થવાની શક્યતા છે. રાજ્ય સરકારે બનાવેલા ગુજરાત વહીવટી સુધારા આયોગે હાલના સવારે ૧૦.૩૦ થી સાંજના ૬.૧૦ ના સમયને બદલીને સવારે ૯.૩૦ થી સાંજના ૫.૧૦ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે, આ અંગે અંતિમ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે.
આ ઉપરાંત, આયોગે સરકારી કચેરીઓના જૂના વાહનો અને ફર્નિચરને તાત્કાલિક નકામા જાહેર કરવા, તમામ સરકારી વેબસાઇટ્સને વધુ સરળ બનાવવા, સિટીઝન ચાર્ટરને વધુ અસરકારક બનાવવા, સરકારી સેવા પોર્ટલ્સને નાગરિકો માટે અનુકૂળ બનાવવા, પ્રમાણપત્રોની ચકાસણી માટે ક્યૂઆર કોડ સિસ્ટમ શરૂ કરવા અને તમામ ફરિયાદો માટે એક જ પ્લેટફોર્મ વિકસાવવા જેવી ભલામણો પણ કરી છે.