પહેલગામ આતંકી હુમલાના શહીદોને સાદરા ગામમાં અપાઈ શ્રદ્ધાંજલિ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં ગાંધીનગર જિલ્લાના સાદરા ગામના લોકોએ આજે સજ્જડ બંધ પાળ્યો હતો. ગામના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને આ હુમલા પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, આવશ્યક સેવાઓની દુકાનો આ દરમિયાન ચાલુ રાખવામાં આવી હતી. સાંજના સમયે, આ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો અને નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગામમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં ગામના યુવાનો, વડીલો અને બાળકો જોડાયા હતા અને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગામ લોકોએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને સરકાર પાસે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.