કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, ઘરેલુ ગેસના ભાવ યથાવત
ઇન્ડિયન ઓઇલે આજે, 1 મે 2025થી કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે, જે વેપારીઓ માટે રાહતના સમાચાર છે. નવા ભાવ અનુસાર, કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડર હવે 1851.50 રૂપિયામાં મળશે, જે પહેલાં 1868.50 રૂપિયા હતો.
મુંબઈમાં તેની કિંમત 1699 રૂપિયા અને ચેન્નાઈમાં 1906.50 રૂપિયા થઈ ગઈ છે. દિલ્હીમાં આ સિલિન્ડર 1747.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જો કે, ઘરેલું રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે દિલ્હીમાં ઘરેલું સિલિન્ડર 853 રૂપિયામાં, કોલકાતામાં 879 રૂપિયામાં, મુંબઈમાં 852.50 રૂપિયામાં અને ચેન્નાઈમાં 868.50 રૂપિયામાં મળશે. અગાઉ 8 એપ્રિલના રોજ ઘરેલું ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.