ગાંધીનગરની રંગોલી સ્કૂલને નોટિસ, મસમોટી ફી વસૂલતા ગાંધીનગર અને અમદાવાદની ૫ પ્રિ-સ્કૂલોને FRC નું તેડું
ગાંધીનગર :
અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ સ્કૂલના જ કેમ્પસમાં પ્રિ-સ્કૂલો શરૂ કરી ઈચ્છા મુજબની લાખો રૂપિયા ફી વસૂલતી ખાનગી સ્કૂલોને સકંજામાં લેવાનું શરૂ કર્યું છે. અમદાવાદની ૪ અને ગાંધીનગરની ૧ ખાનગી સ્કૂલને પ્રિ-સ્કૂલોની ફી મંજૂર કરાવવા બાબતે શનિવારના રોજ રૂબરૂ હાજર રહેવા FRCએ નોટિસ આપી ફરમાન જારી કર્યું છે. થલતેજની સત્વવિકાસ, વાડજની સ્વસ્તિક અને ગાંધીનગરની રંગોલી સ્કૂલને અગાઉ નોટિસ આપ્યા બાદ ફરી એકવાર નોટિસ ફટકારી હાજર રહેવા સુચના અપાઈ છે. એ સિવાય બોપલની શિવ આશિષ સ્કૂલ અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી જેમ્સ જેનિસીસ સ્કૂલને પણ વર્ષ-૨૦૨૦-૨૧ પછી પ્રિ-સ્કૂલમાં ફી મંજૂર કરાવી ન હોવાથી નોટિસ આપવામાં આવી છે. આ પાંચેય સ્કૂલનું શનિવારના રોજ રૂબરૂ હિયરિંગ હાથ ધરવામાં આવશે.
ફી નિર્ધારણ કાયદાના ભાગરૂપે ખાનગી સ્કૂલોએ ફી નક્કી કરવા માટે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)માં દરખાસ્ત-એફિડેવિટ રજૂ કરવાનું હોય છે, જેમાં ત્રણ વર્ષની ફી નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધી રાજ્યમાં પ્રિ-સ્કૂલોની કોઈ નોંધણી કરવામાં આવતી નહોતી, જે હવે ચાલુ કરવામાં આવી છે. જોકે આ બહાના હેઠળ વાલીઓને લૂંટી શકાય એ માટે અનેક ખાનગી સ્કૂલોએ કેમ્પસમાં ચાલતી હોવા છતાં પ્રિ-સ્કૂલોની ફી મંજુર કરાવવાની તસદી લીધી ન હોવાનું કમિટીના ધ્યાને આવ્યું છે. મહત્વની વાત એ છે કે, વર્ષ-૨૦૧૭માં કાયદો લાગુ થયો ત્યારથી કમિટી દ્વારા ફી નિયતના જે ઓર્ડર જારી કર્યા છે એમાં અનેક સ્કૂલોની પ્રિ-સ્કૂલની પણ ફી મંજૂર કરી છે, જેના આ તમામ સંચાલકો વાકેફ જ હોય એવુ નિષ્ણાતોનુ કહેવુ છે. તેમ છતાં નોંધણીના ઓઠા હેઠળ ફ્રી મંજુર કરાવવાની તસ્દી લીધી નથી અને ઈચ્છા મુજબ ફી વસૂલવામાં આવી રહી હોવાની ફરિયાદો ઊઠી છે. આથી આવી ખાનગી સ્કૂલોને ફી રેગ્યુલેટરી કમિટીએ નોટિસો પાઠવી રૂબરૂ ઉપસ્થિત રહેવાના તેડા મોકલ્યાં છે. જે પાંચ સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે એ સ્કૂલો દ્વારા પ્રિ-સ્કૂલમાં મસમોટી ફી વસૂલાતી હોવાની ફરિયાદો ઉઠતા કાર્યવાહી હાથ ધરાઈ છે.