હિંમતનગરમાં મનો દિવ્યાંગો માટે રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ
ગુજરાત સરકાર દ્વારા ખેલ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો છે. સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત દ્વારા આયોજિત આ મહાકુંભ મનો દિવ્યાંગ, લર્નિંગ ડિસએબેલીટી અને મેન્ટલ ઈલનેસ ધરાવતા ખેલાડીઓ માટે છે. 30 એપ્રિલથી શરૂ થયેલા આ ચાર દિવસીય ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન ધારાસભ્ય વી ડી ઝાલા, જિલ્લા કલેકટર લલિત નારાયણસિંધ સંધુ અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. મનો દિવ્યાંગ ખેલાડીઓએ આકર્ષક માર્ચ પાષ્ટ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 2200થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રેક સૂટથી સન્માનિત કરવામાં આવશે અને તેમના ખાતામાં રોકડ પુરસ્કાર પણ જમા કરવામાં આવશે. ખેલાડીઓ અને તેમના સહાયકો માટે ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.