સરહદી તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો રાજ્યોને આદેશ: કટોકટીની સત્તાનો ઉપયોગ કરો!
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ રહેવા અને જરૂર પડ્યે કટોકટીની સત્તાનો ઉપયોગ કરવા માટે આદેશ આપ્યો છે.
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓને પત્ર લખીને સિવિલ ડિફેન્સ રૂલ્સ હેઠળ સાવચેતીના જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. પત્રમાં કટોકટીની પરિસ્થિતિમાં ઈમરજન્સી પાવરનો અસરકારક રીતે ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
સરહદી વિસ્તારોમાં વિશેષ સતર્કતા દાખવવામાં આવી રહી છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છ જેવા સરહદી જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરી સરહદી જિલ્લાઓની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી અને જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપી હતી. દેશની સુરક્ષાને સર્વોપરી રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.