તમામ સરકારી કચેરીઓના અધિકારી, કર્મચારીઓની મંજૂર કરેલ તમામ પ્રકારની રજાઓ કરાઇ રદ
દેશની ત્રણેય સુરક્ષા પાંખો જ્યારે દેશ માટે લડી રહી છે, દેશની સુરક્ષા માટે ખડે પગે છે, તેવા સમયે દેશના તમામ નાગરિકોની ફરજ છે કે, તેઓ જ્યાં છે ત્યાંથી દેશ માટે પોતાનું કર્તવ્ય પૂરી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરે. અને આજ નિષ્ઠા આપણા દેશ માટે આપણા રાષ્ટ્ર માટે આપણો આદરભાવ અને દેશ પ્રેમ છે. માત્ર આર્મી, નેવી, એરફોર્સ સાથે જોડાઈ દેશની રક્ષા કરી શકાય આ વિચારધારા બદલવાનો હવે સમય આવી ગયો છે. વર્તમાન પરિસ્થિતિમાં પોતાની કર્મનિષ્ઠાથી દેશની આંતરિક વ્યવસ્થા જાળવી રાખવી તે પણ સુરક્ષાનો એક ભાગ છે. અને સરકારી કર્મચારી તરીકે આપણે પણ દેશના આંતરિક વ્યવસ્થા તથા સુરક્ષા સંભાળતા રક્ષકો છીએ,
માટે દેશ પ્રત્ય પોતાની ફરજ નિભાવવાનો આ અવસર છે,તેમ ગણી આપણે કાર્ય કરવાનું છે.અને જિલ્લા વહિવટી તંત્રનો દરેક કર્મચારી એક યોદ્ધા છે, તે વિચાર સાથે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા હુકમનામા થકી મેડિકલ ઇમર્જન્સી સિવાયની જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ તથા અધિકારીઓની રજા રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ જેની ખાસ નોંઘ લેવા કલેકટરશ્રી દ્વારા જણાવાયું છે.
ઉલ્લેખનિય છે કે, વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા ઉપસચિવશ્રી(સેવા), મહેસૂલ વિભાગ, ગાંધીનગરના પરિપત્રની વિગતે મહેસૂલ વિભાગના તમામ મહેસૂલી કર્મચારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તથા વિભાગના તાબા હેઠળની તમામ કચેરીઓના અધિકારીશ્રીઓની મંજૂર કરેલ તમામ પ્રકારની રજાઓ(મેડિકલ રજા સિવાયની) અન્ય હુકમ ન થાય ત્યાં સુધી રદ કરવા તથા, રજા પર ગયેલ કર્મચારીશ્રી/અધિકારીશ્રીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવા જણાવવામાં આવ્યું છે.અને વર્તમાન કઠિન સમયને ધ્યાન રાખતા વિભાગના વડા/ખાતાના વડાની પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા પણ જણાવવામાં આવ્યું છે.