પંજાબ: અમૃતસરના મજીઠામાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત, અનેક ગંભીર
પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠા તાલુકામાં ગત સોમવારની રાત્રે એક દુઃખદ ઘટના બની છે. ઝેરી દારૂ પીવાના કારણે 14 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 5 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મૃતકોમાં મોટાભાગના લોકો ભાંગલી અને મરારી કલાન ગામના રહેવાસી છે. મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ઝેરી દારૂ પીવાથી 10થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમૃતસરના એસએસપી મનીન્દર સિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટના ઝેરી દારૂ પીવાના કારણે બની છે અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રભજીત સિંહ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જે આ ઝેરી દારૂના સપ્લાય પાછળનો મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે. આરોપી પ્રભજીત સિંહ વિરુદ્ધ એક્સાઇઝ એક્ટની કલમ 105 બીએનએસ અને 61એ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત, પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરી છે, જેમાં પ્રભજીતનો ભાઈ કુલબીર સિંહ ઉર્ફે જગ્ગુ, સાહિબ સિંહ ઉર્ફે સરાઈ, ગુરજંત સિંહ અને નિંદર કૌરનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસ આ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ઝેરી દારૂના સ્ત્રોત તથા આ ઘટના સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.