જંબુસર ડેપો વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ તૂટ્યો, ગ્રાહકો માટે જોખમી
જંબુસર નગરના ડેપો વિસ્તારમાં આવેલા ડીલક્ષ શોપિંગ સેન્ટર પાસે વરસાદી કાંસનો સ્લેબ તૂટી જતાં દુકાનદારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. દુકાનો પર ખરીદી કરવા આવતા ગ્રાહકો કાંસમાં પડી જવાના બનાવો બની રહ્યા છે, જેના કારણે દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.દુકાનદારો દ્વારા અનેકવાર નગરપાલિકામાં આ અંગે જાણ કરવામાં આવી હોવા છતાં, કાંસના સમારકામ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દુકાનદારોનો આક્ષેપ છે કે નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે. વધુમાં, જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ મીઠું પાણી, ગટર અને સાફ-સફાઈ જેવી જનતાની સામાન્ય સમસ્યાઓનું પણ નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. સ્થાનિકો હવે રાહ જોઈ રહ્યા છે કે આ સમસ્યાઓનો અંત ક્યારે આવશે.