મિશન મધમાખી હેઠળ રાજ્યના ૨૮૪ લાભાર્થીઓને મળી રૂ. ૧૮૦ લાખથી વધુની સહાય
નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી અને સજીવ સૃષ્ટિમાં મધમાખીઓ તેમજ અન્ય પરાગરજકોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે તા. ૨૦મી મેના દિવસને “વિશ્વ મધમાખી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ કર્યો છે, તેમાં મધમાખી પાલનનો વ્યવસાય બમણું યોગદાન આપીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ગુજરાતમાં મધમાખી પાલન વ્યવસાય ખેડૂતોની સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહ્યો છે.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ સંદર્ભે કહ્યું હતું કે, આજે ખેડૂતો ખેતીની સાથે પૂરક વ્યવસાય તરીકે મધમાખી પાલનને અપનાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં મધમાખી પાલન કરતા ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં ‘મધુક્રાંતિ’નો ઉલ્લેખ કરીને ખેડૂતોને મધમાખી પાલનનો વ્યવસાય અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મધમાખી પાલનનો વ્યાપ વધતા ગુજરાતમાં “મધુક્રાંતિ”ની મીઠી શરૂઆત થઇ છે.
*મધમાખી પાલનના લાભ:*
મધમાખીઓ બાગાયતી પાકોના ઉત્પાદનમાં પરાગનયનની મહત્વપૂર્ણ પ્રક્રિયામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તે છોડના પરાગ કણોને એક છોડમાંથી બીજા છોડમાં લઈ જવામાં મદદ કરે છે, જેના પરિણામે બાગાયતી પાકોનું ઉત્પાદન વધે છે. આ ઉપરાંત, મધમાખી પાલન વ્યવસાયનો ખર્ચ ઓછો અને નફો વધુ હોવાથી ખેડૂતોને મધના ઉત્પાદનથી સારી આવક પણ મળે છે. પરિણામે ખેડૂતોને મધ અને સારા બાગાયતી ઉત્પાદનનો બમણો લાભ મળે છે.
*ગુજરાતમાં મધમાખી પાલનને પ્રોત્સાહન:*
ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓના સમન્વયથી રાજ્યમાં મધમાખી પાલન કરતા ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ રૂ. ૮૭૬ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં મધમાખી સમૂહ કોલોની વસાવવા માટે ૧,૨૪૫ લાભાર્થીઓને રૂ. ૪૧૮ લાખ, મધમાખી હાઇવ્સની ખરીદી માટે ૧,૨૩૪ લાભાર્થીઓને રૂ. ૪૧૫ લાખ, હની એક્સ્ટ્રેક્ટર માટે ૩૧૭ લાભાર્થીઓને રૂ. ૩૩ લાખ અને બી-બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટે રૂ. ૯ લાખ મળીને કુલ રૂ. ૮૭૬ લાખથી વધુની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવી છે.
*આદિજાતિ વિસ્તારમાં વધશે મધુપાલનનો વ્યાપ:*
રાજ્યના આદિજાતિ વિસ્તારમાં મધમાખી પાલનનો વ્યાપ વધે, રોજગારીની તકો વધે અને આદિજાતિ ભાઈઓ પણ મધમાખી પાલન દ્વારા વધારાની આવક મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકારે “આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની હાઇવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના” અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ચાલુ વર્ષે રાજ્યના ૫૩ આદિજાતિ તાલુકાના આશરે ૫,૩૦૦ લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી બે મધમાખીની પેટીઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ સરળતાથી મધમાખી પાલન શરૂ કરી શકે.
*૧૧,૩૦૦ જેટલા લાભાર્થીઓને તાલીમ અપાઈ:*
આજે ગુજરાતના ઘણા ખેડૂતો મધમાખી પાલનથી મધ, મીણ, પ્રોપોલીસ, બી-વેનમ, રોયલ જેલી જેવી પેદાશોનું વેચાણ કરીને આર્થિક રીતે સક્ષમ બન્યા છે. મધમાખી ઉછેરમાં રસ ધરાવતા ખેડૂતોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવામાં આવી રહી છે. મિશન મધમાખી હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના ૧૧,૩૦૦ જેટલા લાભાર્થી ખેડૂતોને મધમાખી ઉછેરની અદ્યતન તાલીમ આપવામાં આવી છે.
આવતીકાલે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે પણ રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા અરવલ્લી, રાજકોટ, સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લા ખાતે મધમાખી પાલન અંગેના એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
*મિશન મધમાખી:*
રાજ્યમાં મધમાખી ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની સાથે તેમને આ વ્યવસાય સંબંધિત માર્ગદર્શન, તાલીમ આપવા તેમજ મહત્તમ મધ ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ અને માર્કેટિંગ વ્યવસ્થા કરવાના ઉદ્દેશ્યથી બાગાયત વિભાગ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩થી ‘મિશન મધમાખી’ કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. આ કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં અમુલ ડેરીના ૨૮૪ સભાસદોને મધમાખી ઉછેર માટે મધની પેટી, હની એક્સ્ટ્રેક્ટર, ફૂડગ્રેડ કન્ટેઇનર, પ્રોસેસિંગ, પેકેજિંગ, કોલ્ડરૂમ એકમ માટે કુલ રૂ. ૧૨૭.૪૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેવી જ રીતે, બનાસ ડેરીના ૫૦૦ સભાસદો માટે પણ રાજ્ય સરકાર દ્વારા મધમાખી ઉછેરના સાધનો ખરીદવા ઉપરાંત વિવિધ એકમો માટે રૂ. ૧૮૦ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે.
વિશ્વ મધમાખી દિવસ માત્ર મધમાખી પાલન વ્યવસાયની સંભાવનાઓને વધુ ઉજાગર કરવાનો દિવસ જ નહિ, પરંતુ મધમાખીના સંરક્ષણ માટે પણ એટલો જ મહત્વપૂર્ણ છે.