ઓર્ગેનિક ફાલસાની ખેતીમાં ગાંધીનગર જિલ્લાના ખેડૂતો બીજા રાજ્યો કરતા અગ્રેસર –ખેડૂત હસમુખભાઈ પટેલ
ગાંધીનગર જીલ્લો આમ તો ઘણી બધી વિશેષતાઓ માટે જાણીતો છે, પરંતુ આજે જિલ્લાની એવી વિશેષતાની વાત કરવી છે, જે પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલી છે. ઉનાળાની ઋતુમાં જોવા મળતા ફાલસા એ આયુર્વેદિક રીતે પણ ઘણા ફાયદાકારક છે, ત્યારે આ ખાટા મીઠા નાનકડા ફાલસાની ખેતી માટે ગાંધીનગર જિલ્લાનો લવારપુર, શાહપુર, રતનપુર વિસ્તાર ખૂબ જ જાણીતો બન્યો છે, ગિફ્ટ સિટીથી આગળ જતા માર્ગોની બંને બાજુ દૂર દૂર સુધી તમને ફાલસાના ખેતરો જોવા મળશે શું કારણ છે, આ વિસ્તારમાં આટલા મોટા પાય ફાલસાની ખેતીનું!,અને ક્યારથી શરૂ થઈ ફાલસાની ખેતી! ચાલો જાણીએ લવારપુરના ખેડૂત મિત્રો પાસેથી….
લવારપુર ગામ ખાતે પરિશ્રમ ફાર્મ ધરાવતા હસમુખભાઈ ઈશ્વરભાઈ પટેલ નામના ખેડૂત ફાલસાની ખેતી વિશે સવિશેષ માહિતી આપતા જણાવે છે કે, લવારપુર, રતનપુર અને શાહપુરના ખેડૂત મિત્રોને વધુ પોષણક્ષમભાવ મળે, પ્રાકૃતિક ખેતી કરી નફા સાથે જમીનની જાળવણી પણ કેવી રીતે થઈ શકે, આવા પ્રશ્નોના જવાબમાં લગભગ 40 વર્ષ પહેલા લવારપુરના એક જાગૃત ખેડૂત પુત્ર અશ્વિનભાઈ બેચરદાસ પટેલ દ્વારા ફાલસાની ખેતી શરૂ કરવામાં આવી હતી.
આ વિસ્તારની જમીન અને વાતાવરણ ફાલસાના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કોઈપણ દવાનો કે રાસાયણિક ખાતર નો ઉપયોગ કર્યા વગર આ આખાય પંથકમાં હાલ ફાલસાની સફળ ખેતી થઈ રહી છે, ફાલસાનો પાક બાગાયત ખેતીમાં ગણાતો હોવાથી ગાંધીનગર જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પણ આ વિસ્તારના ખેડૂતોને જુદી જુદી યોજનાકિય સહાયતા મળતી રહી છે.
હસમુખભાઈ પટેલ આ અંગે જણાવે છે કે, સમયાંતરે બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા ખેત મુલાકાતો કરી વધુમાં વધુ સારા પરિણામો ખેડૂતો મેળવી શકે અને તેમની આવકમાં વધારો થાય તેવા પ્રયાસો થતા રહ્યા છે, પરિણામે આજની તારીખમાં ફાલસાની ખેતીમાં ગાંધીનગર જિલ્લાના ખેડૂતો બીજા રાજ્યો કરતા અગ્રેસર છે.
શ્રી સુભાષ પાલેકર દ્વારા જે પ્રાકૃતિક પદ્ધતિ થકી ખેતી અંગે પ્રેરણા અપાઈ છે, તે પ્રમાણે ફાલસાની ખેતી કરતા આજે લવારપુર તથા આસપાસના ગામડાના ખેડૂતો લગભગ એક એકરે 60 હજાર જેટલો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતો આ ફાલસાના પાકને વિદેશી બજારમાં પહોંચાડી પ્રગતિ અને આવકના નવા માર્ગો કંડારી રહ્યા છે,તો કેટલાક ખેડૂતો ફાલસાના ઓનલાઈન વ્યાપાર થકી મેળવી રહ્યા છે અઢળક આવક.