“Dancing the Rock”- થીમ અન્વયે ૨૩ મે- “વિશ્વ કાચબા દિવસ”ની કરાશે ઉજવણી
ॐ कूर्माय नमः। ૧૮ પુરાણો પૈકી એક ‘કુર્મ પુરાણ’, દેવોના દેવ મહાદેવના મંદિરમાં સ્થિરતાના પ્રતિકરૂપે સ્થાન ધરાવતા એવા ભગવાન શ્રી વિષ્ણુનો એક અવતાર એટલે કાચબો. જે ધરતીના કરોડો વર્ષો જુના અને અદ્વિતીય જીવ પૈકી એક છે. જીવનરૂપી યુદ્ધમાં સાહસ અને ધૈર્ય ધરી અવિશ્વનીય યાત્રા પાર પાડતા કાચબાઓ, આ માત્ર એક જીવ નથી પૃથ્વી પરના સૌથી જૂના યોદ્ધાઓ છે જેની સમુદ્ર સાક્ષી પુરાવે છે.
આ યોદ્ધારૂપી કાચબાઓ ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમાં લેધરબેક કાચબો, ગ્રીન કાચબો, લોગરહેડ કાચબો, હોક્સબિલ કાચબો, કૅમ્પસ રિડલી કાચબો, ઓલીવ રિડલી કાચબો, ફ્લેટ બેક કાચબો સહિતના દરિયાઈ કાચબાઓની સાત પ્રજાતિઓ છે. લગભગ ૧૦૦ મિલિયન વર્ષો પહેલા દરિયાઈ કાચબા અસ્તિત્વમાં આવ્યા હતા.
વર્ષ ૧૯૯૦થી દર વર્ષે ૨૩ મેના રોજ “વિશ્વ કાચબા દિવસ” (World Turtle day) ઉજવવામાં આવે છે. જેની આ વર્ષની થીમ “Dancing the Rock” છે. આ દિવસ કાચબાની પ્રજાતિઓનાં સંરક્ષણ માટે ભારત સરકાર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. કાચબાઓ દરિયામાં રહેલું લીલું ઘાસ અને પ્રિય જેલી ફીશ ખોરાકમાં લે છે.
કાચબાની વિવિધ પ્રજાતિઓને બચાવવાના હેતુથી એક બિન-નફાકારક સંસ્થા અમેરિકન ટોર્ટવાઇઝ રેસ્ક્યુની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં કાચબાનું સંરક્ષણ કરવાનો છે. વિશ્વભરના લોકો કાચબાના રક્ષણ માટે જાગૃત થયા છે. કાચબાઓનું અંદાજે આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય છે.
ભારત દેશના પશ્ચિમ બંગાળ, ઓરીસ્સા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, લક્ષદ્વીપ, અંદામાન, નિકોબાર અને ગુજરાત સહિતના વિસ્તારોમાં ઓલીવ રિડલી કાચબો, ગ્રીન કાચબો, હોક્સબિલ કાચબો, લેધરબેક કાચબો જોવા મળે છે. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં ઓલીવ રિડલી કાચબાઓ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ રાજ્યના દરિયાકાંઠે માળાઓ બનાવે છે. અને આ માળાઓને ભારત સરકાર દ્વારા જરૂરી રક્ષણ આપવામાં આવે છે.
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અંદાજે ૧૨૦ કિલોમીટરના દરિયામાં અંદાજીત ૫૦ કિલોગ્રામ વજન ધરાવતો ઓલીવ રિડલી કાચબો અને આશરે ૨૫૦ કિલોગ્રામ વજન ધરાવતાં ગ્રીન કાચબાઓ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા તથા એશિયાના વિવિધ દરિયાઈ દેશોમાંથી હજારો કિલોમીટરનો દરિયો ખેડીને ગ્રીન અને ઓલીવ રિડલી કાચબીઓ ઈંડા મૂકવા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવે છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થિત ઓખામઢી, કલ્યાણપુર તાલુકાના નાવદ્રા, પોરબંદરના માધવપુર ખાતે કાચબા ઉછેર કેન્દ્ર કાર્યરત છે. અહીં કાચબીઓ હજારો કિલોમીટરનો દરિયાને ખેડીને ઈંડા મુકવા આવે છે. અહીં કાચબીઓને માળા માટે યોગ્ય તાપમાન, કાંઠાનો વિસ્તાર અને રેતીનો પ્રકાર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પ્રાપ્ત થાય છે. જેના લીધે ચોક્કસ ઋતુ દરમિયાન કાચબીઓ દરિયાઈ રેતીમાં ખાડો કરીને માળા બનાવે છે. કાચબીઓ માળા બનાવી ઈંડાઓને પ્રકૃતિના સાનિધ્યમાં છોડીને ફરી દરિયા તરફ પ્રયાણ કરે છે. એક માળામાંથી આશરે ૭૦થી ૧૩૦ ઈંડાઓ મળે છે અને ઈંડામાંથી ૪૫થી ૬૦ દિવસમાં બચ્ચા બહાર આવે છે. જે જન્મીને દરિયા તરફની વાટ પકડે છે. આ કાચબીઓ જ્યાં જન્મે છે ત્યાં યુવાન થતાં એ જ દરિયા કાંઠે માળા કરીને ઈંડા મુકવા આવે છે. વર્ષ દરમિયાન સરેરાશ ઓખામઢી અને માધવપુરના દરિયા કાંઠે એમ કુલ મળી ૧૦૮ માળાઓ બનાવે છે જેમાંથી અંદાજે ૮૦૮૦ જેટલા બચ્ચાઓ જન્મે છે.