ગાંધીનગર ખાતે 7 થી 15 વર્ષના બાળકો માટે નિશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન
ગાંધીનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.16/05/2025થી 30/05/2025 સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઊર્જાવાન ચેરમેન શ્રી શિશપાલજીના માર્ગદર્શન નીચે 7 વર્ષથી 15 વર્ષના બાળકો માટે નિશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં બાળકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે.
આ સમર કેમ્પનું આયોજન જિલ્લા કો-ઓર્ડીનેટર ભાવનાબેન જોષીના દિશા નિર્દેશ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ સમર કેમ્પમાં બાળકોને ખુબ સરસ રીતે યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર શીખવવામાં આવે છે તથા બાળકોને પૌષ્ટિક નાસ્તો આપી સાથોસાથ સંસ્કારોનું સિંચન અને બધા સાથે હળી મળીને રહેવાનું પણ શીખવાડવામાં આવે છે અને વિવિધ પ્રકારની અવનવી રમતો રમાડવામાં આવે છે.
આ કેમ્પમાં પ્રશિક્ષિત ટ્રેનર અને કોચ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ અને કસરતથી જીવનમાં નિયમિતતા, શિસ્ત, શારીરિક તંદુરસ્તી અને એકાગ્રતા કઈ રીતે કેળવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને ‘મેદસ્વિતા મુક્ત બનાવવા આહવાન કર્યું છે ત્યારે ટ્રેનર્સ દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આરોગવાથી શરીર અને મનને થતાં ફાયદાઓ અંગેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી રહી છે.