ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો: આરોગ્ય તંત્ર એલર્ટ
છેલ્લા એક સપ્તાહથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાત દૈનિક ધોરણે સૌથી વધુ કેસ નોંધાવતા રાજ્યોમાં સામેલ થયું છે. ખાસ કરીને અમદાવાદમાં પોઝિટિવ કેસો સતત વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી મે મહિનામાં કુલ સંક્રમિતોનો આંકડો ૮૯ પર પહોંચ્યો છે. હાલ ૭૬ સક્રિય કેસ છે, જેમાં બે દર્દીઓની સ્થિતિ ગંભીર જણાતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ૧૩ દર્દીઓ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ પણ થયા છે.
આજે મહેસાણામાં પણ એક મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેનાથી જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૦ થઈ છે. સુરતમાં સિક્કિમથી પરત ફરેલા ૪૧ વર્ષીય ખાનગી હોસ્પિટલના તબીબ પણ કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે અને સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું છે.