DILR અધિકારી શીલકુમાર પટેલે ‘નો ડ્રગ્સ’ સંદેશ સાથે હિમાલય સર કર્યો
અમદાવાદ: “મન હોય તો માળવે જવાય” અને દ્રઢ નિશ્ચય અસામાન્ય સાહસ થકી સફળતા અપાવી શકે છે, તે ઉક્તિને ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના DILR અધિકારી શ્રી શીલકુમાર પટેલે સાચી ઠેરવી છે. તેમણે Invincible NGO સાથે મળીને ૧૭,૩૦૦ ફૂટ ઊંચા હિમાલય પર્વતમાળાના પીરપંજાલ શ્રેણીના “માઉન્ટ ફ્રેન્ડશીપ” શિખરને સર કર્યું છે.
આજે યુવા વર્ગમાં વધી રહેલા વ્યસન પ્રત્યે જાગૃતિ લાવવા માટે, શ્રી શીલકુમાર પટેલે અન્ય ૧૪ યુવાનોની ટીમ સાથે “No Drugs Campaign” ના સંદેશાને લઈને આ અત્યંત દુર્ગમ અને કઠિન પર્વતારોહણ કર્યું હતું. રાત્રે ૧૨:૩૦ કલાકે એડવાન્સ બેઝકેમ્પથી શરૂ થયેલી તેમની યાત્રા સવારે ૯:૦૦ વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
ટીમે અસામાન્ય વાતાવરણ અને પડકારોનો સામનો કરીને શિખર પર શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેમણે આ સફળતાને “ઓપરેશન સિંદૂર” ને સમર્પિત કરી છે. Invincible NGO ની સ્પોન્સરશિપ અને તાલીમથી આ ટીમે વ્યસનમુક્તિ અને પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિઓની જાગૃતિ ખાસ કરીને યુવા વર્ગમાં ફેલાવવા માટે આ પ્રેરણાદાયી સાહસ ખેડ્યું હતું. આ યાત્રાનો મુખ્ય હેતુ દેશની યુવાપેઢીને વ્યસનમુક્તિ માટે જાગૃત કરવાનો છે.