ગુજરાતમાં આગામી ૩ જૂન સુધી વરસાદની આગાહી: અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર
ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૩ જૂન સુધી રાજ્યમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આજે, બુધવારે (૨૮ મે), અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે, ગુરુવારે (૨૯ મે) થી આગામી ૩ જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ૧૪ થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગ મુજબ, ગુરુવારે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. આ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.