અમદાવાદમાં હજુ ગરમીનો પ્રકોપ યથાવત્: ૨૦ જૂન સુધી વરસાદની શક્યતા નહિવત્
અમદાવાદ: શહેરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને વરસાદ માટે નાગરિકોને હજુ રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં આગામી ૨૦ જૂન સુધી વરસાદની સંભાવના નહિવત્ છે, જેના કારણે ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. રવિવારે (૮ જૂન) અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેનાથી દિવસભર લોકો આકરા તાપથી ત્રસ્ત રહ્યા હતા. હવામાન વિભાગનું અનુમાન છે કે, ૧૪ જૂન સુધી તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જોકે, હવામાન નિષ્ણાતો ૧૪ જૂન બાદ અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેવાની પણ શક્યતા છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો અનુભવ થયો હતો, જેમાં કંડલા એરપોર્ટ પર ૪૨ ડિગ્રી, ડીસામાં ૪૦.૦૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૦ ડિગ્રી, રાજકોટમાં ૩૯.૫ ડિગ્રી, ભુજમાં ૩૮.૬ ડિગ્રી, વડોદરામાં ૩૭.૪ ડિગ્રી, ભાવનગરમાં ૩૭.૨ ડિગ્રી અને સુરતમાં ૩૫.૨ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.