ગાંધીનગરમાં ઉજવાશે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ
ગાંધીનગર તા.૦૭ નવેમ્બર –
આદિવાસી સમાજનું ગૌરવ ઉત્તરોત્તર પ્રગતિના પંથે રહે અને તેમના ગૌરવપૂર્ણ યોગદાનના છુપાયેલા ઇતિહાસને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ભારત સરકાર દ્વારા તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિશેષ માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૧થી ભગવાન બિરસા મુંડાના જન્મદિન ૧૫ નવેમ્બરને “જનજાતીય ગૌરવ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તા. ૧૧ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન આદિજાતિ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં ગાંધીનગર જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ટાઉનહોલ, ગાંધીનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં આદિજાતિ કલ્યાણ અને વિકાસ માટે સરકાર દ્વારા ઉત્તમ કાર્યો કરવામાં આવી રહ્યા છે. આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની સરકારી કુમાર/કન્યા છાત્રાલયોમાં કુલ ૮૨૯ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહેઠાણ, ભોજન અને અન્ય સુવિધાઓ મેળવી રહ્યા છે. આ ઉપરાંત, કુમાર અને કન્યા માટેની આદર્શ નિવાસી શાળાઓમાં કુલ ૩૩૯ વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર અભ્યાસની સાથે નિઃશુલ્ક રહેઠાણ અને ભોજનની સુવિધા પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રિ-મેટ્રીક શિષ્યવૃતિ યોજના અંતર્ગત કુલ ૪૪૩૧ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય તેમજ શિષ્યવૃતિનો સીધો લાભ પૂરો પાડવામાં આવ્યો છે.
“જનજાતીય ગૌરવ દિવસ”ની આ ઉજવણી આદિજાતિ સમુદાયોના કલા-કૌશલ્ય, વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો તથા ભારતની સ્વતંત્રતાની ચળવળમાં આદિવાસીઓએ આપેલા અમૂલ્ય યોગદાનની ગૌરવગાથાને જન-જન સુધી પહોંચાડે છે. આદિવાસી મહાનાયકોને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરવા સાથે દેશની જનજાતીય સંસ્કૃતિ અને અસ્મિતાનું સંરક્ષણ કરીને વિકસિત ભારતના લક્ષ્યને વેગવંત બનાવવાનો આ એક અત્યંત ઉમદા પ્રયાસ છે.

