અમદાવાદ વિમાન દુર્ઘટના: મૃતદેહ સોંપણી કાર્ય તેજ બન્યું, ૮૦ પૈકી ૩૩ની ઓળખ થઈ
અમદાવાદ: ૧૨મી જૂને અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી એર ઇન્ડિયાની AI171 વિમાન દુર્ઘટના બાદ રાહત અને ઓળખની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે જણાવ્યું કે, DNA સેમ્પલ મેચ થયા બાદ ૮૦ પૈકી ૩૩ મૃતદેહો તેમના પરિવારજનોને સન્માનપૂર્વક સુપરત કરવામાં આવ્યા છે. ડો. પટેલના જણાવ્યા મુજબ, અન્ય બે મૃતદેહો આજે રાત્રે, ૧૩ આવતીકાલે, અને ૨૧ વ્યક્તિઓના મૃતદેહ પરિવારના પરામર્શ બાદ સોંપાશે. ૧૧ કિસ્સાઓમાં, પરિવારના અન્ય સભ્યો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાથી, તેમના DNA મેચ થયા બાદ મૃતદેહની સોંપણી થશે.
મૃતદેહ સોંપવામાં આવેલા લોકોમાં અમદાવાદ (૧૨), વડોદરા (૫), ખેડા (૨), બોટાદ (૧), ઉદયપુર (૧), મહેસાણા (૪), જોધપુર (૧), અરવલ્લી (૧), આણંદ (૪) અને ભરૂચ (૨) નાગરિકોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવારને મદદ કરવા માટે એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને પ્રોફેશનલ કાઉન્સેલરની અલાયદી ટીમ ફાળવી છે, જે આ કપરા સમયમાં પરિવારોને ટેકો પૂરો પાડી રહી છે.