બ્રિટનમાં PhD વિદ્યાર્થીને ૬૦થી વધુ મહિલાઓ પર દુષ્કર્મ બદલ ૨૪ વર્ષની જેલ
લંડન: બ્રિટનના ઇતિહાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં યુનિવર્સિટી કૉલેજ લંડનના ૨૮ વર્ષીય PhD વિદ્યાર્થી અને ચીનના નાગરિક ઝેનહાઓ ઝોઉને ૬૦થી વધુ મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવા અને તેના વીડિયો બનાવવાના ગુનામાં ઓછામાં ઓછા ૨૪ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. આ કેસે માનવતાને શર્મસાર કરી નાખી છે.
મળતી માહિતી મુજબ, ઝોઉ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ૬૦થી વધુ મહિલાઓને ભણવા કે ડ્રિંકના બહાને પોતાના ફ્લેટમાં બોલાવી, તેમને નશીલો પદાર્થ આપી દુષ્કર્મ આચરતો અને ગુપ્ત કેમેરામાં તેનું રેકોર્ડિંગ કરતો. માર્ચ મહિનામાં તે લંડનમાં ત્રણ અને ચીનમાં સાત મહિલાઓના દુષ્કર્મના મામલે ગુનેગાર ઠર્યો હતો. પોલીસને તેના ડિવાઇસમાંથી ૫૮ દુષ્કર્મના વીડિયો મળ્યા છે, જેમાં એક પીડિતા ‘હું આવું નથી ઈચ્છતી’ તેમ કહેતી સંભળાય છે, જેના જવાબમાં ઝોઉએ ‘મને ન રોકીશ, તેનો કોઈ ફાયદો નહીં થાય’ તેમ કહ્યું હતું.
ઝોઉ સામે ૧૮ નવેમ્બર, ૨૦૨૩ના રોજ પહેલી ફરિયાદ દાખલ થઈ, બાદમાં તે ચીન ભાગી ગયો હતો. જાન્યુઆરી, ૨૦૨૪માં પરત ફરતા તેની ધરપકડ કરાઈ. તેના ફ્લેટમાંથી મોંઘો સામાન અને પીડિત મહિલાઓની કથિત સ્મૃતિઓનો ડબ્બો મળ્યો હતો. તે કુલ ૨૮ ગુનાઓમાં ગુનેગાર સાબિત થયો છે, જેમાં દુષ્કર્મ, ગેરકાયદે કેદ, વોયેયુરિઝમ અને અશ્લીલ પોર્નોગ્રાફી રાખવાનો સમાવેશ થાય છે. કોર્ટમાં ઝોઉએ શાંત ચહેરે સ્વીકાર્યું હતું કે તેને ‘શાંત અને સ્થિર’ મહિલાઓ, ખાસ કરીને ‘બેભાન’ મહિલાઓ પસંદ હતી. મેટ પોલીસના કમાન્ડર કેવિન સાઉથવર્થે જણાવ્યું કે, આ ખતરનાક ગુનેગાર આગામી ૨૪ વર્ષ સુધી જેલમાં રહેશે, જેનાથી પીડિત મહિલાઓને ન્યાયની અનુભૂતિ થશે.