ગુજરાત હાઈકોર્ટનો સરકારને આદેશ: મેન્યુઅલ સ્કેવેન્જિંગ નાબૂદ કરવા ‘બ્લુ પ્રિન્ટ’ રજૂ કરો
ગુજરાત હાઈકોર્ટે ગટર સફાઈ અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ દરમિયાન સફાઈ કામદારોના મૃત્યુ મામલે થયેલી જાહેરહિતની અરજી પર આજે રાજ્ય સરકારને કડક નિર્દેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે રાજ્યભરમાંથી મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથા કાયમી ધોરણે નાબૂદ થાય તે માટેની નક્કર રૂપરેખા (બ્લુ પ્રિન્ટ) રજૂ કરવા જણાવ્યું છે.
હાઈકોર્ટે સરકારની આકરી ટીકા કરતા જણાવ્યું કે, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગને કારણે થતા મૃત્યુના સમાચાર ખરેખર હતાશાજનક અને નિરાશ કરનારા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પણ કામદારોની સુરક્ષા માટે મજબૂત સાધનો ન હોય તો તે ગંભીર બાબત છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લેતા આ પ્રથા કાયમી ધોરણે નાબૂદ થવી અત્યંત જરૂરી છે. કેસની વધુ સુનાવણી 8મી ઓગસ્ટના રોજ રાખવામાં આવી છે. અમદાવાદમાં બનેલી એક દુર્ઘટનામાં કસૂરવાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ (blacklist) કરી, ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની ગેરંટી (guarantee) લેવાનો આદેશ અપાયો છે.