ફોર્બ્સ યાદી: અમેરિકાના સૌથી ધનિક ઇમિગ્રન્ટ્સમાં ભારત મોખરે, 12 ભારતીય અબજોપતિ
ફોર્બ્સ મેગેઝિને બુધવારે જાહેર કરેલી ‘અમેરિકાના સૌથી ધનિક ઇમિગ્રન્ટ્સ 2025’ ની યાદીમાં ભારતે અગ્રસ્થાન મેળવ્યું છે. આ યાદી મુજબ, અમેરિકાના અબજોપતિ ઇમિગ્રન્ટ્સમાં 12 અબજોપતિ સાથે ભારત પહેલા નંબરે છે, જ્યારે ઇઝરાયલ અને તાઇવાન 11 અબજોપતિ સાથે બીજા ક્રમે છે. આ યાદીમાં કુલ 125 વિદેશી મૂળના અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે.
ભારતીય મૂળના અબજોપતિઓમાં ઝેડસ્કેલર (Zscaler) ના સ્થાપક અને CEO જય ચૌધરી 17.9 બિલિયન ડોલર (લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા) ની સંપત્તિ સાથે ટોચ પર છે. તેઓ સુરક્ષા ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિ અને અમેરિકામાં સૌથી સફળ ભારતીય ઇમિગ્રન્ટ ગણાય છે. જય ચૌધરી ઉપરાંત, વિનોદ ખોસલા (9.2 બિલિયન), રાકેશ ગંગવાલ (6.6 બિલિયન), રોમેશ વાધવાણી (5 બિલિયન), રાજીવ જૈન (4.8 બિલિયન), કવિતાર્ક રામ શ્રીરામ (3 બિલિયન), રાજ સરદાણા (2 બિલિયન), ડેવિડ પૌલ (1.5 બિલિયન), નિકેશ અરોરા (1.4 બિલિયન), તેમજ સુંદર પિચાઈ, સત્ય નદેલા અને નીરજા સેથી (દરેક 1 બિલિયન) ને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.