આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

રાત્રે 1:51 વાગ્યે ચંદ્રથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો સંપર્ક તૂટ્યો, PM મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો

બેંગ્લુરુ:

ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો. ત્યારે ચંદ્રયાન નક્કી સમય મુજબ 1 મિનિટ 9 સેકન્ડ પછી ચંદ્ર પર લેન્ડ કરવાનું હતું. સંપૂર્ણપણે સ્વદેશી ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવાર-શનિવારની રાત્રે 1.53 વાગ્યે ચંદ્ર પર ઉતરવાનું હતું. રાત્રે લગભગ અઢી વાગ્યે ઈસરોના વડા કે. સિવને કહ્યું કે યાનનો સંપર્ક તૂટી ગયો છે. આગળની જાણકારી આંકડાના વિશ્લેષણ પછી આપી શકાશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર હતા. તેમણે ઈસરોના વિજ્ઞાનીઓને કહ્યું કે જીવનમાં ઊતાર-ચઢાવ આવતા રહે છે પણ આ કોઈ નાની સિદ્ધી નથી. દેશ તમારા પર ગર્વ કરે છે. તમારી આ મહેનતે ઘણું શીખવાડ્યું છે. સારા માટે આશા કરો. દરેક હારમાંથી આપણે ઘણું બધું શીખી રહ્યા છીએ. હું સંપૂર્ણ રીતેત મારી સાથે છું. હિંમતથી ચાલો. તમારા પુરુષાર્થથી દેશમાં ફરી ખુશી આવશે. જો મિશન સફળ રહ્યું હોત તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ બન્યો હોત. આ અગાઉ ચીન, અમેરિકા અને રશિયા ચંદ્ર પર ઉતરી ચૂક્યા છે પણ અહીં કોઈ ઊતર્યું નથી.

ગભરાટની એ 15 મિનિટ: ઈસરોના ચેરમેન કે.સિવને જે પળને દહેશતની 15 મિનિટ ગણાવી હતી, તે પળનું મહત્ત્વ સમજો આ રીતે…
પ્રથમ તબક્કો: 30 કિ.મી.થી 7.4 કિ.મી. પર આવશે. 10 મિનિટ લાગશે. ત્યાર બાદ વિક્રમ સાથે ઇસરોનો સંપર્ક તૂટી જશે.
બીજો તબક્કો: 7.5 કિ.મી.થી 5 કિ.મી. પર આવશે તેમાં 38 સેકન્ડ લાગશે. આ દરમિયાન વિક્રમના 4 એન્જિન ચાલુ હશે, જેથી તેની ઝડપ 550 કિ.મી.થી 330 કિ.મી. પ્રતિ કલાકની કરી શકાય.
ત્રીજો તબક્કો: 5 કિ.મી.થી 400 મી. પર આવશે તેમાં 89 સેકન્ડ લાગશે. ત્યાર બાદ સૌથી મુશ્કેલ સમય હશે.
ચોથો તબક્કો: 100 મી. બાદ લેન્ડિંગની જગ્યા નક્કી કરશે. ચંદ્રની 400 મી. ઉપરથી 100 મી. ઉપર આવીને વિક્રમ અટકી જશે. સામે બે ક્રેટર હશે. એક મેજિનિયસ સી અને બીજું સિંપેલિયસ. બન્ને એકબીજાથી 1.6 કિ.મી. દૂર છે. જો લેન્ડર પહેલી સાઇટ પસંદ કરે તો 100 મી.ની ઊંચાઇથી 10 મી. સુધી પહોંચતાં 65 સેકન્ડ લાગશે. બીજી સાઇટ પસંદ કરે તો પહેલી 40 સેકન્ડમાં તે 60 મી. અને પછીની 25 સેકન્ડમાં 30 મી. નીચે ઉતરશે. 10 મી.ની ઊંચાઇ પર પહોંચ્યા બાદ લેન્ડર ચંદ્રની સપાટી પર પહોંચતાં 13 સેકન્ડ લેશે.

ચંદ્ર પર જીવન કેવી રીતે સંભવ છે તેની માહિતી મેળવશે
1. ઓર્બિટર: આખું વર્ષ કામ કરશે, તે જ સંપર્કમાં રહેશે
2379 કિલોનું ઓર્બિટર બે સપ્ટેમ્બરે અલગ થઇ ચંદ્રના ચક્કર લગાવી રહ્યું છે. આ એક વર્ષ કામ કરશે. ઇસરોને પ્રજ્ઞાન અને વિક્રમથી મળનારી માહિતી ઓર્બિટર દ્વ્રારાજ મળશે. તે તપાસશે તે સપાટીની નીચે બરફ છે કે નહીં? એટલે જો બરફ હશે તો પાણી પણ હશે.

2. લેન્ડર (વિક્રમ): સપાટી અંગે ઓર્બિટરને માહિતી આપશે
ભારત ચંદ્ર પર પહેલી વખત લેન્ડિંગ કરશે. 1,471 કિલોનું વિક્રમ પ્રજ્ઞાનને ચંદ્ર પર ઉતારશે. તેમાં ત્રણ મહત્વના ઉપકરણ છે, ચંદ્ર પર ભૂકંપનો અભ્યાસ કરશે. બદલાતા તાપમાન પર પણ શોધ કરશે. તે 14 દિવસ કામ કરશે.

3. રોવર (પ્રજ્ઞાન): 6 પૈડાવાળું છે, કુલ 500 મી. ચાલશે
વિક્રમના લેન્ડ થયા પછી 27 કિલોનું પ્રજ્ઞાન 3 કલાકમાં બહાર આવશે. તે એક સેમી સેકન્ડની સ્પીડથી 14 દિવસમાં 500 મીટરનું અંતર કાપશે. ત્યાર બાદ તેનું કામ પુરું થઇ જશે. બે વિશેષ ઉપકરણ દ્વ્રારા તે માહિતી મેળવી વિક્રમને આપશે. વિક્રમ ઓર્બિટરને અને ઓર્બિટર ઇસરોને આ માહિતી પહોંચાડશે.

11 વર્ષથી તૈયારી, 4 વર્ષ સુધી સઘન અભ્યાસ: તમિલનાડુમાં ચંદ્ર જેવા ખડકો શોધ્યા, બેંગલુરુમાં ચંદ્રની સપાટી બનાવી હજારો વખત લેન્ડિંગ કરાવ્યું
ચંદ્રયાન-2 મિશનને 2008માં મંજૂર કરાયું હતું, પરંતુ સૌથી મોટો પડકાર લેન્ડર અને રોવરનું ટેસ્ટિંગ હતું. તેના માટે ચંદ્ર જેવી માટી, ઓછી ગ્રેવિટીનું ક્ષેત્ર, ચંદ્ર પર પડતો ચમકદાર પ્રકાશ અને વાતાવરણ એવું રિક્રિએટ કરવાની જરૂર હતી. એક ઉપાય એ હતો કે અમેરિકાથી સિમુલેટેડ લૂનર સોઉલ (ચંદ્ર જેવી માટી) લાવવામાં આવે. જે 150 ડોલર કિલોના ભાવની છે. આપણને 70 ટન માટીની જરૂર હતી. ખર્ચ વધુ હોવાથી એવું નક્કી કરાયું કે અમેરિકાથી થોડી માટી લાવી અને તેનો અભ્યાસ કરવામાં આવે અને પછી એવી માટી શોધવામાં આવે. પછી જણવા મળ્યું કે તમિલનાડુના સાલેમમાં એર્નોથોસાઇટ નામના ખડકો છે, જે ચંદ્રના ખડકોને મળે છે. જે માટી માટે 72 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડત, તે કામ મફતમાં જ થઇ ગયું. ત્રિચીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, પેરિયાર યૂનિનવર્સિટી અને બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે તે ખડકોને દળીને ચંદ્ર જેવી માટી બનાવી, ત્યાંથી ઇસરો સેટેલાઇટ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ બેંગલુરુ લાવવામાં આવી અને ત્યાં બે મીટર જાડી સપાટી તૈયાર કરવામાં આવી, એટલો જ પ્રકાશ રાખવામાં આવ્યો, જેટલો ચંદ્ર પર છે. ત્યાં 2015થી અત્યાર સુધી હજીરો વખત લેન્ડિંગનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 6 ગણું ઓછું હોય છે. તેથી હેલિયમ ગેસ વાપરવામાં આવ્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x