રાહુલ ગાંધી સામેના ADC બેન્ક કેસની આજે સુનાવણી, કાળાં નાણાં ધોળા કર્યાના આક્ષેપથી કેસ થયો હતો
અમદાવાદ:
નોટબંધી વખતે એડીસી બેંકે 5 દિવસમાં જ રૂ.745.59 કરોડનું કાળું નાણું ધોળું કરી દીધું હોવાના નિવેદનો કરવા બદલ રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલ વિરુદ્ધ કરાયેલા બદનક્ષીના કેસમાં શનિવારે મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
અજય પટેલે મેટ્રો કોર્ટમાં કરી છે ફરિયાદ
2016માં નોટબંધી સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સૂરજેવાલે નિવેદનો કર્યા હતા કે, એડીસી બેંકે 5 દિવસમાં જ રૂ.745.59 કરોડનું કાળું નાણું ધોળું કર્યું હતું. જે બેંકમાં અમિત શાહ ડાયરેક્ટર હતાં. આ નિવેદનોના કારણે એડીસી બેંક અને બેંકના ચેરમેન અજય પટેલે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી અને સૂરજેવાલ સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. કોર્ટે પુરાવા ધ્યાને લઇ રાહુલ ગાંધી અને સૂરજેવાલને સમન્સ કાઢ્યા હતાં. કોર્ટના સમન્સના કારણે રાહુલ ગાંધી 10 જુલાઇ 2019ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં હાજર રહ્યા હતાં.
સૂરજેવાલ હાજર થવા અંગે અવઢવ
કોગ્રેંસના પ્રવકતા સૂરજેવાલને સમન્સ નહીં બજયું હોવાથી તેઓ 10 જુલાઇએ સુનાવણીમાં હાજર રહ્યા નહોતાં. જો કે શનિવારે સુનાવણીમાં સૂરજેવાલ કોર્ટમાં હાજર થશે કે કેમ? તે અંગે કોઇ સ્પષ્ટતા નથી.