મોરારિબાપુ વિ. સ્વામિ. સંપ્રદાયઃ સંતો-હરિભક્તોની એક જ માગ, બાપુ સ્વામિ. ભગવાનની નામ જોગ માફી માગે
અમદાવાદઃ
જાણીતા રામકથાકાર મોરારિબાપુએ ભગવાન નીલકંઠવર્ણી વિષે વ્યાસપીઠ પરથી કરેલી ટિપ્પણીઓનો વિવાદ વધુ વકર્યો છે. નીલકંઠ એટલે ફક્ત ભગવાન શંકર અને જે ઝેર પીવે એ જ નીલકંઠ અને બાકી લાડુડી ખાય તે નકલી નીલકંઠ એવી ઠેકડી ઉડાડતી ટિપ્પણી કરવા બદલ મોરારિબાપુ સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ હરિભક્તોના નિશાના પર આવ્યા છે. આવી ટિપ્પણી કરવા બદલ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના તમામ પંથો એક થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ વિવાદ થયા બાદ મોરારિબાપુએ એક નિવેદન જારી કરીને કોઈનું પણ મન દુભાયું હોય તો ‘મિચ્છામી દુક્કડમ્’ કહું છું તેવો વીડિયો જારી કર્યો હતો. પરંતુ આ વીડિયોમાં મોરારિબાપુના હાવભાવ જોઈને ફરી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા હરિભક્તોમાં રોષ ફેલાયો છે.
મોરારિબાપુ સ્વામિનારાયણ ભગવાનની માફી માગેઃ BAPS
બીએપીએસ સંપ્રદાયના સાધુ અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોએ તથા લાખો હરિભક્તોએ એવી લાગણી વ્યક્ત કરી છે કે, મોરારિબાપુએ સ્વામિનારાયણ ભગવાનની જે ટીકા કરી છે તેનાથી અમારા સહુનું હૃદય દુભાયું છે. આ હૃદય દુભાવવા બદલ મોરારિબાપુ ભગવાન સ્વામિનારાયણની માફી માગે તેવી અમારા સહુની લાગણી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ BAPS સંસ્થાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, ‘ઝેર ખાય એ નીલકંઠ, લાડુડીઓ ખાધી હોય એ નીલકંઠ ન હોય’ એવી હલકી ટીકા કરીને મોરારિબાપુએ ભગવાન સ્વામિનારાયણનું અપમાન કરવાની હલકી મનોવૃત્તિ પ્રદર્શિત કરી છે. આ એક નહીં, આ પૂર્વે પણ વારંવાર મોરારિબાપુએ સનાતન હિંદુ ધર્મની પરંપરાઓ, ભગવાન સ્વામિનારાયણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાઓનું અપમાન કરવાની એક પણ તક જતી કરી નથી.
મોટા માણસોએ ભારતીય સંસ્કૃતિને ઠેસ ન પહોંચે તેવું કરવું જોઈએઃ મણિનગર ગાદી
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, અત્યારે જે વિવાદનું વંટોળ ફેલાયું છે તે અત્યંત ખેદજનક છે. આટલા મોટા કથાકારે ભગવાન નીલકંઠવર્ણી વિશે આવું બોલવું ઉચિત નથી. સ્વામિનારાયણ ભગવાને તો અમને આદેશ આપ્યો છે કે, જે કોઈ તમારા વિશે ખરાબ બોલે, ભૂંડુ બોલે તેમને પણ ક્ષમા આપો. તો અમારું આ પ્રકરણે એટલું જ કહેવું છે કે મોરારિબાપુને ભગવાન સ્વામિનારાયણ સદબુદ્ધિ આપે અને તેમના જેવા મોટા માણસોએ ભારતીય સંસ્કૃતિની આન-બાન-શાનને ઠેસ ન પહોંચે તેવું કાર્ય કરવું જોઈએ, નહીં કે આ રીતે બીજા કોઈ ધર્મ કે સમુદાયનું અપમાન કરવું જોઈએ.
મોરારિબાપુએ હસીને નહીં ગંભીરપણે સમાજની માફી માગવી જોઈએઃ સરધાર ધામ
સરધાર સ્વામિનારાયણ ધામના સાધુ નિત્યસ્વરૂપદાસ સ્વામીએ પણ મોરારિબાપુએ જે રીતે માફી માગી તેની સામે વાંધો દર્શાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, મોરારિબાપુએ પહેલાં તો ભગવાન સ્વામિનારાયણ વિશે ગમે તેવી ટિપ્પણી કરી. આટલેથી અટકતા ન હોય તેમ પાછું મિચ્છામી દુક્કડમ કહેતા હોય તેવો વીડિયો જારી કર્યો. પરંતુ આ વીડિયોમાં તો તેઓ હસે છે.. ક્યાંય તેઓ માફી માગતા હોય તેવો ભાવ જ દેખાતો નથી. માટે જ મોરારિબાપુ જેવી મોટી હસ્તીએ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણની માફી માગવી જોઈએ. તેઓ એક વાર ફક્ત જાહેરમાં માફી માગે અને હવે પછી ફરી આવું નહીં થાય તેની ખાતરી આપે તો તેટલું અમારા માટે પૂરતું છે. એક વાત હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે અમે તો મોરારિબાપુ જેવા કથાકારનો ખૂબ આદર કરીએ છીએ. પરંતુ તેઓ જે રીતે ભગવાન નીલકંઠવર્ણી વિશે બોલ્યા છે તેનાથી સમાજનું દિલ દુભાયું છે.
આ માફી માગવાના ચાળા છે, મોરારિબાપૂુ સાચા દિલથી માફી માગે: વડતાલ
મોરારીબાપુએ કહેલું મિચ્છામી દુક્કડમ પૂરતું નથી એવો અભિપ્રાય વડતાલ સંપ્રદાયના સાધુ વિવેકસ્વરૂપ સ્વામીએ જણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, જેટલો ઉદવેગ મોરારિબાપુનો વીડિયો જોઈને થયો હતો તેનાથી વધુ ઉદવેગ તેમણે જે રીતે ઠેકડી ઉડાડતા માફી માગી તેનાથી થયો છે. આ તે કાંઈ માફી માગવાના ચાળા છે.. મોરારિબાપુને માફી માગવી જ હોય તો સ્વામિનારાયણ ભગવાન અને લાખો-કરોડો હરિભક્તોની સાચા દિલથી માફી માગવી જોઈએ જેમનું તેમણે દિલ દુભાવ્યું છે. તેમને ક્યાં ખબર છે કે નીલકંઠવર્ણીએ કઠોર તપશ્ચર્યા કરી અને માના રૂધિરનો ભાગ લોહી એને સુકવી નાંખ્યું હતું. આવી કઠોર તપશ્ચર્યા કરી હતી, એટલે વનવાસી ઋષિઓએ પરમાત્માનું નામ નીલકંઠ પાડ્યું છે.
મોરારિબાપુએ નીલકંઠવર્ણીનું અપમાન કર્યું તો માફી પણ તેમની જ માગેઃ કુમકુમ
મોરારિબાપુ જેવા આદરણીય કથાકારને આમ વ્યાસપીઠ પરથી ભગવાન નીલકંઠવર્ણીનું અપમાન કરવું શોભતું જ નથી, એમ જણાવી કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ વાતચીતમાં કહ્યું હતું કે, મોરારિબાપુએ અપમાન સ્વામિનારાયણ ભગવાનનું કર્યું છે અને તેમણે મિચ્છામી દુક્કડમ જેવા જૈન સંપ્રદાયના કથનનો સહારો લેવાને બદલે સીધું સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ દઈને જ માફી માગવી જોઈએ. મોરારિબાપુએ મિચ્છામી દુક્કડમ કહ્યું પણ તેનાથી અમને સંતોષ નથી. મોરારિબાપુને પશ્ચાતાપ થયો હોય તો સારી વસ્તુ છે, સ્વીકાર્ય છે. હવે તેઓ ફક્ત એટલું કહી દે કે, ભગવાન નીલકંઠવર્ણીનું અપમાન કર્યું તે બદલ મારી ભૂલ થઈ છે. બસ, આટલું અમારા માટે પૂરતું છે. પરંતુ પોતાનો અહમ પોષવા માટે છટકબારીનો સહારો લે એ તેમને શોભતું નથી.