ગુજરાતમાં ગ્રામીણ પોલીસિંગ સુદૃઢ બનાવવા માટે નવી પહેલ: 10 ઓગસ્ટે પોલીસ અને સરપંચો વચ્ચે સંવાદ યોજાશે
ગુજરાત પોલીસ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પોલીસિંગને વધુ અસરકારક બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે આ અંગે માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને જણાવ્યું કે, આગામી 10 ઓગસ્ટ, 2025ના રોજ દરેક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ગામના સરપંચો સાથે સંવાદ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાનો તેમજ પોલીસ અને સ્થાનિક સમુદાય વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો છે. આ સંવાદ દરમિયાન ગ્રામ્ય સ્તરેથી આવતી સમસ્યાઓ અને સૂચનોને સીધા પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડી શકાશે. આનાથી પોલીસિંગમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. DGP વિકાસ સહાયે તમામ સરપંચોને આ પ્રોગ્રામમાં સહભાગી થવા અને પોલીસની આ પહેલને સકારાત્મક પ્રતિભાવ આપવા વિનંતી કરી છે.