બેંકની ભૂલથી પ્લમ્બર બન્યો અબજોપતિ, ખાતું ફ્રીઝ થતાં મુશ્કેલીમાં મુકાયો
બિહારના જમુઈ જિલ્લાના એક પ્લમ્બરના બેંક ખાતામાં અબજો રૂપિયા જમા થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જોકે, આ મોટી રકમ જમા થવા છતાં તે પોતાના પિતાની સારવાર કરાવી શકતો નથી, કારણ કે બેંકે તેનું ખાતું સ્થગિત કરી દીધું છે.
જમુઈના અચહરી ગામનો રહેવાસી ટેની માંજી હાલ રાજસ્થાનના જયપુરમાં પ્લમ્બર તરીકે મજૂરી કરે છે. તેણે મુંબઈમાં મહિન્દ્રા બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. તાજેતરમાં તેના બેંક ખાતામાં આશ્ચર્યજનક રીતે મોટી રકમ જમા થઈ ગઈ. આ રકમ એટલી મોટી છે કે તેમાં 37 શૂન્ય છે, જે ગણતરી કરવી પણ મુશ્કેલ છે. આ રકમ અચાનક ક્યાંથી આવી તે વિશે કોઈને ખબર નથી.
ખાતામાં આટલી મોટી રકમ હોવા છતાં, ટેની માંજી તેના પિતાની સારવાર માટે નાણાં મોકલી શક્યો નથી. કારણ કે બેંકે ટેકનિકલ ભૂલને કારણે આ ખાતું ફ્રીઝ કરી દીધું છે. ટેનીના પિતા કાલેશ્વર માંજીએ જણાવ્યું કે તેમનો પુત્ર ભણેલો ન હોવાથી તેને ખબર પણ નથી કે આ રકમ કેટલી છે. આ પરિસ્થિતિના કારણે તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. ટેનીના ખાતાના બેલેન્સનો સ્ક્રીનશોટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.