રાસાયણિક ખેતીના નુકસાનોથી બચવાનો શ્રેષ્ઠ ઉકેલ એટલે પ્રાકૃતિક ખેતી
કૃષિ એ આપણા જીવનનો આધાર છે. જેમાં વિવિધ પ્રકારના પાકો ઉગાડવામાં આવે છે આ તમામ પાકોના ઉત્પાદન માટે ખેડૂતો ઘણા વખતથી રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ કરતા આવ્યા છે. જ્યારે શરૂઆતમાં આ પદ્ધતિઓથી ઉત્પાદનમાં વધારો થયો, ત્યાં જ લાંબા ગાળે જમીન, પાણી અને જીવજંતુઓ માટે ગંભીર નુકશાનકારક સાબિત થઇ રહી છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ઉપાડવામાં આવેલ પ્રાકૃતિક કૃષિની મુહિમના કારણે રસાયણિક ખેતીથી થતા નુકસાન અંગે ખેડૂતો જાગૃત થયા છે. ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યના ઘણા ખેડૂતો ફરીથી કુદરતની તરફ વળીને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીએ એવી પદ્ધતિ છે જેમાં જમીન, પાણી અને પશુઓ સાથેના કુદરતી તત્વોના સંકલન થકી સંપૂર્ણ ખેતી થાય છે. તેમાં રાસાયણિક ખાતર, દવા કે પદ્ધતિઓના બદલે, જીવોમૃત, ઘનજિવામૃત, મલ્ચીંગ, વપ્સા વગેરે કુદરતી સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતીના ફાયદા અને લક્ષણો:
• જમીનને તેની કુદરતી ઊર્જા પુનઃપ્રાપ્ત થાય છે.
• પાકના ગુણવત્તામાં સુધારો થાય છે.
• પાણી બચાવ અને ઉપજમાં સ્થિરતા રહે છે.
• ખર્ચ ઓછો અને નફો વધારે મળે છે.
ખેતીમાં ઉભા થતા નવા પડકારો સામે પ્રાકૃતિક ખેતીનો ઉકેલ શ્રેષ્ઠ:
હાલના સમયમાં ખેતરોમાં જમીન કઠણ બનવું, પાણીની અછત, જીવજંતુઓનું પ્રતિરોધક બનવું, તેમજ ઉત્પાદન ખર્ચનો વધારો — આ તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી દ્વારા શક્ય છે.
જેની સામે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતોને અનેક ફાયદાઓ મળે છે. આ પદ્ધતિ દ્વારા જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને ખેતરની ક્ષમતા વધી જાય છે. ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદિત અનાજને બજારમાં વધુ માંગ હોય છે, જેથી ખેડૂતોને વધુ ભાવ મળે છે. પાણીના સંરક્ષણમાં પણ પ્રાકૃતિક ખેતી ખૂબ અસરકારક છે. ટપક સિંચાઈ, મલ્ચીંગ અને વપ્સા જેવી પદ્ધતિઓ વડે ખેતરમાં નમી જળવાઈ રહે છે અને કુલ ૯૮% સુધી પાણી બચાવી શકાય છે.
પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરીને જીવજંતુઓ અને રોગોનું અસરકારક નિયંત્રણ શક્ય બને છે, જેનાથી પાકને નુકશાન ઓછું થાય છે. આ પદ્ધતિ નાગરીકોના સ્વાસ્થ્ય માટે પણ સુરક્ષિત છે કારણ કે તેમાં ઝેરી રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થતો નથી. પરિણામે જમીન અને પાણી બંને તંદુરસ્ત બને છે અને ખેતી વધુ ટકાઉ અને પર્યાવરણ માટે અનુકૂળ બને છે.
પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, તે એક ક્રાંતિ છે જ્યાં ખેડૂત અને કુદરત વચ્ચેનો સંબંધ પુનઃસ્થાપિત થાય છે. આ પદ્ધતિ ખેતીને સસ્તી, અસરકારક અને ટકાઉ બનાવી શકે છે કે જે માનવ જીવન માટે આ પધ્ધતીથી ભવિષ્ય વધુ ટકાઉ અને નફાકારક બનાવી શકે છે.