રાજસ્થાનના દૌસામાં ભયાનક માર્ગ અકસ્માત, ખાટુશ્યામથી પરત ફરતા 10 શ્રદ્ધાળુઓનાં મોત
રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત થયો છે, જેમાં ૧૦ લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર એક પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં ૭ બાળકો અને ૩ મહિલાઓનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ૧૦ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ૧૦ અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જયપુરની એસએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટના બાદ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, અને તેમના પરિજનોને જાણ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.