‘આપણે સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું’: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરના શાહપુર ગામમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને શ્રમદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ ત્રણેય ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપીને જ આપણે એક સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
સ્વચ્છતા એ દરેક નાગરિકનું કર્તવ્ય છે:
રાજ્યપાલશ્રીએ લોકોને સંબોધતા જણાવ્યું કે, ‘સ્વચ્છ ભારત અભિયાન’ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ તે દરેક નાગરિકનું સામાજિક અને નૈતિક કર્તવ્ય છે. તેમણે મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું કે ગાંધીજી પોતે સફાઈ કરતા હતા, જે સ્વચ્છતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે દરેક નાગરિકને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવા અને ગંદકી ફેલાવવાની વૃત્તિ છોડવા અપીલ કરી.
પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણની જરૂરિયાત:
રાજ્યપાલશ્રીએ જળવાયું પરિવર્તન જેવી કુદરતી આફતોને માનવ દ્વારા પ્રકૃતિના શોષણનું પરિણામ ગણાવ્યું. આ સંકટથી બચવા માટે તેમણે વધુમાં વધુ વૃક્ષો વાવવાની અને તેનું જતન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે લોકોને ખાસ પ્રસંગોએ એક વૃક્ષ વાવીને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી તેની સંભાળ રાખવા અપીલ કરી.
પ્રાકૃતિક ખેતી જ ભવિષ્યનો માર્ગ:
રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો પર ચિંતા વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગથી જમીન, પાણી અને ખોરાકમાં ઝેર ભળી રહ્યું છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખતરારૂપ છે. આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને કૃષિ યુનિવર્સિટીના સંશોધનો પણ સાબિત કરે છે કે તેનાથી ઉત્પાદન ઘટતું નથી. તેમણે ગ્રામજનોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી.
સામાજિક મૂલ્યો પર ભાર:
આ ઉપરાંત, રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને વ્યસનમુક્ત થવા, દીકરીઓને શિક્ષિત કરવા અને બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવા અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જનભાગીદારીથી એક સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ ગુજરાતનું સ્વપ્ન સાકાર થશે. આ કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા.