ગાંધીનગરમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરકાવ્યો તિરંગો
ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી રામકથા મેદાન ખાતે થઈ હતી. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી. તેમણે પોતાના સંબોધનમાં ‘ઓપરેશન સિંદૂર’ જેવી સેનાની સિદ્ધિઓની પ્રશંસા કરી અને કહ્યું કે ભારત હવે દુશ્મનોને તેમની જ ભાષામાં જવાબ આપવા સક્ષમ છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગાંધીજી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર જેવા મહાન નેતાઓના આદર્શોને અનુસરીને દેશના વિકાસ કાર્યો થઈ રહ્યા છે. આ ઉપરાંત, તેમણે ગાંધીનગર જિલ્લામાં થયેલા વિકાસ કાર્યો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો, અને રમતગમત તથા પ્રવાસન ક્ષેત્રે થયેલી પ્રગતિ વિશે પણ માહિતી આપી હતી. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.