જન્માષ્ટમી ઉત્સવે આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય કેન્દ્રને ભક્તિ, સંસ્કૃતિ અને આનંદથી જીવંત બનાવ્યું
બેંગલુરુ, ૧૮ ઓગસ્ટ, ૨૦૨૫: આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર આ સપ્તાહના અંતે રંગો, સંગીત અને ભક્તિથી જીવંત બન્યું કારણ કે ગુજરાતના હજારો ભક્તો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના પાવન સાનિધ્યમાં જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. કૃષ્ણના જીવનને ઉત્સવ રૂપે ઉજવવા નૃત્ય, સંગીત, સત્સંગ અને ભવ્ય અન્નકુટ ના માધ્યમ થી બે દિવસની ખુબજ હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી.
ગુરુદેવે જન્માષ્ટમી નિમિત્તે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “પગલે-પગલે, કૃષ્ણ અર્જુનને માર્ગદર્શન આપે છે, અને અંતે તેઓ કહે છે કે – બધું મારા પર છોડી અને ફક્ત મને શરણાગત થઈ જા” તેમણે ઉપસ્થિત લોકોને યાદ અપાવ્યું કે શાંતિ અને આનંદ સંઘર્ષથી નહીં, પરંતુ શરણાગતિથી આવે છે. “કૃષ્ણના શાશ્વત સંદેશ” માં, ગુરુદેવે એક સમયનું કરુણ ઉદાહરણ બતાવતા કહ્યું હતું કે જ્યારે ડેનમાર્ક ની જેલમાં એક કેદીએ તેમને પૂછ્યું કે શું તેમને ક્યારેય તેમના પાપો માટે માફ કરવામાં આવશે, જેના જવાબમાં ગુરુદેવે જવાબ આપ્યો, “જો તમે આ માર્ગ પર ચાલશો, તો ખૂબ જ ઓછા સમયમાં તમે એક પુણ્યાત્મા બની જશો. જ્યારે તમે ભગવાન સાથે, ભક્તિથી, ધ્યાન દ્વારા એક થાઓ છો, ત્યારે તમે ટૂંકા સમયમાં સદ્દગુણી બનો છો. જે રીતે લાંબા સમયથી અંધારાવાળા ઓરડાને પ્રકાશિત કરવામાં વધુ સમય નથી લાગતો તે રીતે પુણ્યાત્મા બનાવામાં પણ લાંબો સમય નથી લાગતો.”
૧૬ ઓગસ્ટ, જન્માષ્ટમીની સાંજે, ભક્તોના ગરબાના તાલે આશ્રમ ગુંજી ઉઠ્યો. ગુરુદેવનું પરંપરાગત અભિવાદન સાથે સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ મહાઆરતી થઈ, જેથી એમ્ફીથિયેટર મનોહર નરમ સોનેરી આભાથી શોભી ઉઠ્યું હતું.
ભગવાન કૃષ્ણ વિશે સંક્ષિપ્તમાં વાત કરતા, ગુરુદેવે સમજાવ્યું કે, “કૃષ્ણનો સૌથી મોટો પડકાર એ હતો કે ઘણા લોકો તેમને એક માનવ તરીકે જોતા હતા. તેઓ કહેતા હતા, “મોહિત થયેલા લોકો મને એક માનવ તરીકે માને છે, તેઓ મને સર્વોચ્ચ ચેતના તરીકે ઓળખતા નથી.” જ્યાં સત્ય છે, ત્યાં હું છું. જ્યાં સૌંદર્ય છે, તેમાં સુંદરતા હું છું. જ્યાં બળ છે, તેમાં રહેલ શક્તિ હું છું. યોદ્ધાઓ માં હું કાર્તિકેય છું. આદિત્યોમાં હું સૂર્ય છું.
બીજા દિવસે, ૧૭ ઓગસ્ટના રોજ, ઉજવણી ભવ્ય અન્નકૂટ સાથે પરાકાષ્ઠાએ પહોંચી, જ્યાં ૭૦૦ થી વધુ તાજી તૈયાર વાનગીઓ સહિત ૨૪૦૦ થી વધુ વ્યંજનો ભક્તિપૂર્વક અર્પણ કરવામાં આવ્યા હતા. સુસજ્જિત વાનગીઓની હરોળ એક અદભુત દૃશ્ય રજૂ કરી રહી હતી.
ઉત્સવમાં કૃષ્ણના જીવનના દ્રશ્યો, તેમના રમતિયાળ બાળપણથી લઈને કુરુક્ષેત્રની જ્ઞાનગાથા સુધીના દ્રશ્યો દર્શાવતી ૩૦ જેટલી 3D (ત્રિ-પરિમાણીય) ઝાંખીઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે બાળ કૃષ્ણની પાછળ દોડતી યશોદા જેવી લઘુચિત્ર મૂર્તિઓ પણ પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ઉત્સવમાં ભવ્ય અન્નકૂટ સાથે ઉજવણી પણ જોવા મળી. સાથે મળીને, ગુજરાત વિશેષ રીટ્રીટ્સ માં ૧૫૦૦ થી વધુ સહભાગીઓએ ગહન મૌન, ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાનમાં ડૂબકી લગાવી હતી. ઘણા લોકો માટે, આ અનુભવ એકસાથે આંતરિક શાંતિ અને બાહ્ય આનંદની યાત્રા બની ગયો હતો.
બાંધણી અને ચણિયાચોળીમાં સજ્જ ભક્તોથી આશ્રમ ગુજરાતના પારંપરિક રંગોથી રંગાઈ ગયો હતો. પરંતુ આ ઉજવણીની સૌથી યાદગાર સ્મૃતિ ગુરુદેવનો આ સંદેશ હતો -: “તમે અને હું અલગ નથી. જળ માં, પૃથ્વી પર, આકાશમાં, કૃષ્ણ બધે જ વ્યાપ્ત છે.”