અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા: સામાન્ય ઝઘડાની અદાવતમાં ચાકુનો ઘા ઝીંકાયો
અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના બની છે. મંગળવારે (19 ઓગસ્ટ) 10મા ધોરણમાં અભ્યાસ કરતા એક 15 વર્ષીય વિદ્યાર્થી પર તેના જ સહપાઠીઓ દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના પાછળનું કારણ બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો સામાન્ય ઝઘડો છે. થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના એક નાના બનાવમાં ધોરણ-8ના એક વિદ્યાર્થીનો 10મા ધોરણના વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને ધોરણ-8ના વિદ્યાર્થીએ શાળા છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીઓને ભેગા કરીને ધોરણ-10ના વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં ખોખરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, સ્કૂલ દ્વારા તેમને આ બનાવ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. જેથી તેમણે સ્કૂલને નોટિસ ફટકારીને તાત્કાલિક રૂબરૂ હાજર થઈ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ ઘટનાથી શાળાઓની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.