ટ્રમ્પના ટેરિફનો રશિયાનો જોરદાર જવાબ: ભારતને ક્રૂડ ઓઈલ ખરીદી પર 5% ડિસ્કાઉન્ટની ઓફર
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લગાવવાની ધમકી બાદ રશિયાએ ભારતને એક મોટી ભેટ આપી છે. રશિયાએ ક્રૂડ ઓઈલની ખરીદી પર ભારતને 5% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને ટ્રમ્પના દબાણનો રશિયાએ આપેલો સીધો જવાબ માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે અને આ નાણાંનો ઉપયોગ રશિયા યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં કરી રહ્યું છે, જેના કારણે અમેરિકાએ આ ટેરિફ લગાવ્યો છે.
રશિયાના ડેપ્યુટી ટ્રેડ પ્રતિનિધિ ઈવગેની ગ્રિવાએ જણાવ્યું કે, ‘રાજદ્વારી દબાણ છતાં ભારતે રશિયામાંથી ઓઈલની આયાત ક્યારેય અટકાવી નથી, જે બંને દેશોના ગાઢ સંબંધો દર્શાવે છે.’ તેમણે ઉમેર્યું કે રશિયાનો ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરી રહ્યો છે.
બીજી તરફ, ભારતમાં રશિયન દૂતાવાસના રાજદૂત રોમન બાબુશ્કિને ટ્રમ્પની ટેરિફ નીતિની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે અમેરિકા ટેરિફ અને આર્થિક પ્રતિબંધોનો હથિયાર તરીકે ઉપયોગ કરીને ખોટી રીતે દબાણ કરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ડૉલર પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે. રાજદૂતે સ્પષ્ટ કર્યું કે રશિયા ક્યારેય ભારત પર કોઈ પ્રતિબંધ નહીં લગાવે અને આર્થિક દબાણ પણ નહીં કરે. બંને દેશોએ ક્રૂડ ઓઈલનો વેપાર જાળવી રાખવા માટે એક વિશેષ સિસ્ટમ વિકસાવી છે, જેથી અમેરિકાના દબાણની કોઈ અસર ન થાય.