સાબરમતી નદી બે કાંઠે વહેતા ગાંધીનગર કલેક્ટરની અપીલ: ‘સેલ્ફીના ચક્કરમાં નદી કિનારે ન જાઓ’
ગાંધીનગર: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવતા ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે. દવેએ નગરજનો અને નદી કાંઠાના 28 ગામોના રહેવાસીઓને નદી કિનારે ન જવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવાનોને ફોટા કે સેલ્ફી લેવાના મોહમાં પોતાનો જીવ જોખમમાં ન મૂકવાની વિનંતી કરી છે.
કલેક્ટરે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં થઈ રહેલી મેઘમહેર કોઈ પણ નાગરિક માટે કહેર ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. તેમણે આવનારા તહેવારોના દિવસોમાં પણ નદી કિનારે જવાનું ટાળવા અને ગણેશજીની મૂર્તિનું વિસર્જન ઘરઆંગણે અથવા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા મુજબ કરવા જણાવ્યું છે.
કલેક્ટર શ્રી દવેએ આગ્રહપૂર્વક કહ્યું કે, “જીવન અમૂલ્ય છે. માત્ર ઉત્સુકતામાં આવી જગ્યાએ ન જતાં સુરક્ષિત રહો અને તંત્રને સહયોગ કરો.” તેમણે યુવાનોને ખાસ અપીલ કરી કે “માત્ર ફોટા કે સેલ્ફીના ચક્કરમાં નદી કિનારે ન જતા સલામત રહો અને અન્ય લોકોને પણ સલામત રહેવાનો સંદેશ આપો.”