ધરોઈ ડેમ છલકાવાની તૈયારીમાં: સાબરમતી નદી હાઈ એલર્ટ પર, સાવચેત રહેવા સૂચના
અમદાવાદ: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના પરિણામે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલમાં, ધરોઈ ડેમનું જળ સ્તર 188.18 મીટર છે, અને તેમાં પાણીનો જથ્થો 82.62% સુધી પહોંચ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, સાબરમતી નદીને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે.
વહીવટીતંત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર, સંત સરોવર અને વાસણા બેરેજમાંથી કુલ 96,234 ક્યુસેક અને 94,056 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેમાં ક્રમશઃ વધારો થઈ શકે છે. આથી, નદીકાંઠાના વિસ્તારો અને ગામોને એલર્ટ આપીને સલામતીના જરૂરી પગલાં લેવા સંબંધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 27.50 ઇંચ એટલે કે 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં સરેરાશ 78.82 ટકા પાણીનો સંગ્રહ થયો છે, જેમાં 59 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈ એલર્ટ હેઠળ છે.