ફિજીના વડાપ્રધાને ભારતને ટેકો આપ્યો: ‘તમે એટલા મોટા છો કે અમેરિકી ટેરિફનો સામનો કરી શકશો’
નવી દિલ્હી: અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફના મામલે હવે ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો છે. હાલમાં ભારતની મુલાકાતે આવેલા રાબુકાએ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લેતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વિના તેમના નિર્ણય પર કટાક્ષ કર્યો.
વડાપ્રધાન રાબુકાએ જણાવ્યું કે તેમણે વડાપ્રધાન મોદી સાથેની વાતચીતમાં આ ટેરિફ અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું, “કોઈ તમારાથી ખુશ નથી, પણ તમે એટલા મોટા (શક્તિશાળી) છો કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકશો.” તેમનો આ સંકેત સ્પષ્ટપણે અમેરિકાના આ નિર્ણય સામે ભારતની તાકાત દર્શાવે છે.
આ ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થવાનો છે અને તેનાથી ભારતના શ્રમ-આધારિત નિકાસ ક્ષેત્રો જેવા કે ઝીંગા, કપડાં, ચામડું અને રત્ન-આભૂષણો પર અસર થશે. રાબુકાની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષા, વેપાર, આરોગ્ય અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં બંને દેશોના સંબંધોને મજબૂત કરવાનો છે. બંને દેશો વચ્ચે સોમવારે સંરક્ષણ સહયોગ વધારવા અને શાંતિપૂર્ણ ઇન્ડો-પેસિફિક માટે કામ કરવા પર પણ સહમતિ બની હતી અને સાત કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.