અંબાજીના પદયાત્રીઓ પર કાળનો પંજો: અજાણ્યા વાહનની ટક્કરે 2ના કરુણ મોત
અરવલ્લી: ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર કાળનો પંજો ફર્યો છે. અરવલ્લી જિલ્લાના લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના માલપુર પાસેના પ્લાઝા નજીક બની હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, દાહોદના વતની કેટલાક પદયાત્રીઓ અંબાજી જઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક માલપુરના સીએસસી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ફરાર વાહન ચાલકને શોધવા માટે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પદયાત્રીઓની સુરક્ષા માટે વીમા કવચ નોંધનીય છે કે, અંબાજી મંદિર ટ્રસ્ટે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રાળુઓની સુરક્ષા માટે આ વર્ષે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રસ્ટે યાત્રાળુઓ માટે ₹10 કરોડનો વીમો લીધો છે, જે ગયા વર્ષ કરતાં ત્રણ ગણો વધુ છે. આ વીમા અંતર્ગત અંબાજી શક્તિપીઠના 50 કિલોમીટરના વિસ્તારમાં થતા અકસ્માતોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં મૃત્યુ થતાં આર્થિક સહાય મળી રહેશે.