મિઝોરમમાં ભીખ માંગવા પર પ્રતિબંધ: વિધાનસભામાં ‘પ્રોહિબિશન ઑફ બેગરી બિલ’ પસાર
આઈઝોલ: મિઝોરમ વિધાનસભાએ બુધવારે (27 ઓગસ્ટ) ‘મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગરી બિલ 2025’ પસાર કર્યું છે, જેનો ઉદ્દેશ્ય ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવાનો અને ભિખારીઓને સમાજમાં પુનર્વસિત કરવાનો છે. આ કાયદા હેઠળ, સરકાર એક રાહત બોર્ડ અને રિસીવિંગ સેન્ટર બનાવશે, જ્યાં ભિખારીઓને અસ્થાયી રૂપે રાખવામાં આવશે અને 24 કલાકની અંદર તેમના રાજ્ય કે ઘરે પાછા મોકલવામાં આવશે.સમાજ કલ્યાણ મંત્રી લાલરિનપુઈએ જણાવ્યું કે, મિઝોરમમાં હાલમાં ભિખારીઓની સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ આગામી સમયમાં સાઈરાંગ-સિહમુ રેલવે લાઈન શરૂ થવાથી બહારથી આવતા ભિખારીઓનું જોખમ વધી શકે છે.
આ રેલવે લાઈનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરે કરશે. જોકે, વિરોધ પક્ષે આ બિલનો વિરોધ કર્યો છે. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) ના નેતા લાલચંદમા રાલ્ટેએ આ કાયદાને રાજ્યની છબીને નુકસાન પહોંચાડનારો અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો વિરુદ્ધ ગણાવ્યો. તેમણે ભિખારીઓને મદદ કરવા માટે સમાજ અને ચર્ચની ભૂમિકાને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.મુખ્યમંત્રી લાલદુહોમાએ સ્પષ્ટતા કરી કે, આ કાયદાનો હેતુ ભિખારીઓને સજા કરવાનો નથી, પરંતુ ચર્ચ, એનજીઓ અને સરકારની મદદથી તેમનું પુનર્વસન કરવાનો છે, જેથી મિઝોરમને ભિખારી મુક્ત બનાવી શકાય.