નર્મદા ડેમ છલકાવા આરે, નર્મદા, ભરૂચ, વડોદરાના ગામો એલર્ટ પર
કેવડિયા: વિઘ્નહર્તા ગણેશજીના તહેવાર દરમિયાન જ ગુજરાતના જળસંકટનું વિઘ્ન દૂર થતું જણાઈ રહ્યું છે. ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર છલકાવાને આરે છે. હાલ ડેમની સપાટી 135.65 મીટર પર પહોંચી ગઈ છે, જ્યારે તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાં ઉપરવાસમાંથી 1.72 લાખ ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે.
પાણીની આવકને ધ્યાનમાં રાખીને, 28 ઓગસ્ટની સવારે 8 વાગ્યાથી ડેમના કેટલાક દરવાજા ફરી ખોલવામાં આવશે. આ દરવાજા ખોલવામાં આવતા ડેમમાંથી મહત્તમ 50,000 ક્યુસેક અને રિવર બેડ પાવર હાઉસમાંથી 45,000 ક્યુસેક મળીને કુલ 95,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. આને કારણે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 100 સેન્ટિમીટરનો વધારો થયો છે, અને ડેમ 90% થી વધુ ભરાઈ ગયો છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય જળાશયોમાં પણ પાણીનો જથ્થો સંતોષકારક છે. હાલમાં, 70 જળાશયો 100% ભરાઈ ગયા છે, જ્યારે 65 જળાશયોમાં 70% થી 100% વચ્ચે પાણી છે. રાજ્યના કુલ 95 જળાશયોને હાઇએલર્ટ પર અને 23 ને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.