આજે સાંજે ચાર વાગે મુખ્યમંત્રી રૂપાણી ટ્રાફિકના નવા નિયમો અનુસાર દંડની વિગતો જાહેર કરશે
અમદાવાદ :
કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એક્ટ-૨૦૧૯માં સુધારો કરી ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરૂધ્ધ મોટા દંડની જોગવાઇ કરી છે. રાજ્ય સરકારે નવા નિયમો મુજબ કેટલો દંડ લેવો તે અંગે નિર્ણય લઇ લીધો છે જેની મંગળવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. રાજ્ય સરકાર ના આ નિર્ણય પર સૌ કોઇની નજર મંડાઇ છે.
મોટર વ્હિકલ એક્ટનો દેશભરમાં અમલ શરૂ થયો છે. જોકે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અન્ પશ્ચિમ બંગાળે તો આ કાયદાનો અમલ કરવા ધરાર ના પાડી દીધી છે. સોશિયલ મિડિયામાં ય આ મામલે ચારેકોરથી વિરોધ ઉઠયો છે. ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારના મોટર વ્હિકલ એક્ટનો અમલ કરવા મુદ્દે મંથન કર્યુ હતું.
ગત સપ્તાહે જ પાટનગર ગાંધીનગરમાં સીએમ હાઉસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગૃહવિભાગ, વાહનવ્યવહાર વિભાગ અને નાણાં વિભાગના અધિકારીઓની ઉપસ્થિતીમં તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી.
જોકે, આ બેઠકમાં અનિર્ણિત રહી હતી. મુખ્યમંત્રીએ વાહનવ્યહાર વિભાગને એક દરખાસ્ત તૈયાર કરવા સૂચના આપી હતી. આ દરખાસ્ત આધારે ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરનારાં વાહનચાલકો પાસે કેટલો દંડ લેવો નક્કી કરાયુ છે.
આજે મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ મામલે સત્તાવાર ઘોષણા કરશે. સાંજે સાડા ચાર વાગે ટ્રાફિકના નવા નિયમો મુજબ કેટલો દંડ લેવાશે તે અંગે વિગતો જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકારે કેન્દ્રના નિયમો કરતાં વ્યવહારૂ દંડ લેવાના મતમાં છે. આમ છતાંય સરકાર શું નિર્ણય જાહેર કરે છે તેના પર સૌ કોઇની નજર છે.