પાટનગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, અનેક વ્રુક્ષો ધરાશાયી થયા
ગાંધીનગર :
ગાંધીનગર શહેર અને જિલ્લામાં ભાદરવાના પ્રારંભથી જ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી મન મુકીને વરસી રહ્યાં છે. જેની અસર વાતાવરણ ઉપર પણ અનુભવવા મળી રહી છે. તો હાલમાં અંબાજી તરફ જતાં પદયાત્રીઓને ભારે વરસાદનો સામનો કરીને પસાર થવું પડી રહ્યું છે. રવિવારે રાત્રીના સમયે અચાનક જ ધોધમાર વરસાદ રાજ્યના પાટનગર ઉપર શરૂ થયો હતો. દોઢ કલાક સુધી ભારે વરસાદ પડતાં ઠેક ઠેકાણે પાણી ભરાઇ ગયા હતા. સવા બે ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં અનેક લોકો અટવાયા હતાં.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાની મોસમ મોડી શરૂ થઇ હોય તેમ સમગ્ર અષાઢ માસ કોરો ધાકોર રહ્યા બાદ શ્રાવણ માસમાં તબક્કાવાર વરસાદ બદલાયેલા હવામાનના કારણે પડયો હતો. ત્યારે ભાદરવા માસના પ્રારંભથી જ મેઘરાજા પણ મહેરબાન થયા હોય તેમ શહેર અને જિલ્લામાં મન મુકીને વરસી રહ્યાં છે. છેલ્લા ઘણા દિવસથી વરસાદની અવિરત ગતિ ચાલુ રહી હોય તેમ પડી રહેલાં વરસાદના પગલે શહેર અને જિલ્લામાં ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં પણ વિધ્ન આવ્યું હતું. ત્યારે હાલમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અંબાજી તરફ પગપાળા પ્રયાણ કરી રહ્યાં છે.
તે લોકોને પણ આ વરસાદી માહોલનો સામનો કરીને પસાર થવાની નોબત આવી રહી છે. રવિવારે સમગ્ર દિવસ દરમિયાન છુટાછવાયા ઝાપટા પડયા બાદ ઉકળાટ સામનો પણ લોકોને કરવો પડયો હતો. ત્યારે રાત્રીના સમયે અચાનક જ ભારે વરસાદ શરૂ થયો હતો અને દોઢ કલાક સુધી ચાલુ રહેલાં વરસાદના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઇ ગયા હતા.
તો આ વરસાદી વાતાવરણની અસર કલોલ અને દહેગામ તાલુકામાં પણ જોવા મળી હોય તેમ અડધા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. આમ પાટનગરમાં દોઢ કલાક દરમિયાન સવા બે ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા તો રવિવાર હોવાના કારણે અસંખ્ય લોકો આ વરસાદમાં અટવાઇ ગયા હતા. રાત્રીના સમયે ધોધમાર વરસાદ પડતાં શહેર અને જિલ્લાના માર્ગો ઉપરથી અંબાજી તરફ જતાં પદયાત્રીઓની હાલત પણ કફોડી બની ગઇ હતી. ત્યારે હજુ બે ત્રણ દિવસ સુધી વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.