ગુજરાત વિધાનસભાનું સત્ર ૮ સપ્ટેમ્બરથી થશે શરૂ: ૫ મહત્વના વિધેયકો રજૂ થશે
ગુજરાત રાજ્યમાં આગામી ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ૧૫મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. આ ત્રણ દિવસીય સત્રમાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત પાંચ મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવામાં આવશે. આ વિધેયકો રાજ્યના ઉદ્યોગ, આરોગ્ય અને નાણાકીય ક્ષેત્રમાં મોટા ફેરફારો લાવશે.
સત્રમાં રજૂ થનાર મુખ્ય વિધેયકોમાં ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’ નો સમાવેશ થાય છે, જેનો હેતુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને ખાસ કરીને મહિલાઓ માટે રોજગારની તકો વધારવાનો છે. આ ઉપરાંત, ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, ૨૦૨૫’ પણ રજૂ થશે, જેનાથી રાજ્યના જીએસટી કાયદાને કેન્દ્રના કાયદા સાથે સુસંગત રાખી શકાય.
રાજ્ય સરકાર જીવન અને વ્યવસાયને સરળ બનાવવાના હેતુથી ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક, ૨૦૨૫’ લાવશે, જેનાથી કોર્ટ પરનો કેસોનો ભારણ ઘટશે. આરોગ્ય ક્ષેત્રે પણ બે મહત્વના વિધેયક રજૂ થશે. એક વિધેયક આયુર્વેદિક અને યુનાની પ્રેક્ટિશનર્સ માટે “બોર્ડ” ને બદલે “કાઉન્સિલ” શબ્દનો ઉપયોગ કરવા માટે છે, જ્યારે બીજું વિધેયક ક્લિનિકલ સંસ્થાઓની નોંધણી માટે વધુ સમય આપવા માટે છે. આ તમામ વિધેયકો રાજ્યની પ્રગતિ અને સુશાસનમાં મદદરૂપ થશે.